જનતા રેડ : નારણકા અને દેરાળા ગામે નજીક ખનીજ ચોરી કરતા ડમ્પર ઝડપી પોલીસ હવાલે કરાયા

- text


ખુલ્લેઆમ ખનીજ ચોરી અંગે પોલીસને જાણ કરાયા બાદ નદીના પટમાંથી બેફામ ખનીજચોરી અટકાવવા નારણકા અને દેરાળા ગામના સરપંચોએ ખનીજ ચોરી અટકાવવા લેખિત રજુઆત કરી

મોરબી : મોરબી જિલ્લાના નારણકા અને દેરાળા ગામ નજીક મચ્છુ નદીમાંથી ખુલ્લેઆમ થતી ખનીજચોરી સામે ગત રાત્રીના બંને ગામના લોકો અને આગેવાનોએ જનતા રેડ પાડી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે હાલ 2 ડમ્પરો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે બીજી બાજુ ખનીજ ચોરી અટકાવવા મુખ્યમંત્રી, ખાણખનીજ વિભાગ, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને કલેકટરને રજુઆત કરી છે.

ગઈકાલે જનતા રેડ બાદ નારણકા ગ્રામ પંચાયત મહિલા સંરપંચ ભગવતીબેન રમેશભાઇ મેરજાએ આ અગાઉ કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના નારણકા ગામે ખનીજચોરી બાબતે અવારનવાર લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવી છે અને ૧૦થી ૧૫ વખત રેતીથી ભરેલ ઓવરલોડ ટ્રકો રોકીને ખાણખનીજ વિભાગને ફોન કરી જાણ કરવામાં આવી છે. છતાં ખાણખનીજ વિભાગ ફોન ઉપાડતા નથી. એ બાબતે ૪ માસ પહેલા જિલ્લા કલેક્ટરને પણ રજુઆત કરવામાં આવી હતી. છતાં નક્કર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

જ્યારે ખનીજ ચોરી અટકાવવા બાબતે દેરાળા ગ્રામપંચાયતના મહિલા સંરપંચ શાહીદાબેન ખોરમ તથા નારણકા ગ્રામ પંચાયતના મહિલા સંરપંચ ભગવતીબેન રમેશભાઇ મેરજા દ્વારા ખાણ ખનીજ ખાતાને રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતમાં જણાવાયું હતું કે રેતી ભરેલા ડમ્પર RTOના નિયમોને નેવે મૂકીને ઓવરલોડ રેતી ભરીને બેફામ ગતિએ ચાલે છે. ડમ્પરની માલ વાહન ક્ષમતા કરતા વધુ રેતી ભરીને ચાલતા ડમ્પરો કોની મીઠી નજર હેઠળ ચાલી રહ્યા છે એવો વેધક સવાલ પણ દેરાળા ગ્રામપંચાયત દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત સંરપંચોએ રજુઆતમાં જણાવ્યું હતું કે, નારણકા ગામના રોડ-રસ્તાઓ હમણા જ ડામરપટ્ટીથી બનાવવામાં આવેલ છે. અને નારણકા મચ્છુ નદીનાં પટમાંથી રેતીની ગાડી ૪૫થી ૫૦ ટન ઓવરલોડ ભરીને ગામ વિસ્તારમાંથી નીકળે છે અને પ્રાથમિક શાળા તથા આંગણવાડી કેન્દ્રની બાજુમાંથી પૂરપાટ ઝડપે પસાર થાય છે. લીઝની પહોંચ કાઢ્યા વગર ગાડી ચાલે છે. આ બાબતે અવાર નવાર રજૂઆતો કરવાં છતાં ધ્યાન નથી આપતું જેથી તાત્કાલિક ટ્રક બંધ કરાવવા રજુઆત કરવામાં આવી હતી. જોકે મચ્છુ નદીમાંથી ઓવરલોડ રેતી ભરીને પસાર થતા ટ્રકોએ નવા ભરેલ રોડને પણ ભારે નુકશાન પહોંચાડ્યું છે. જેમાં નારણકા, દેરાળા, સરવડ નવાના માર્ગની હાલત એકદમ કફોડી બની ગઇ છે. આ મામલે દેરાળા ગ્રામજનો પણ રોષે ભરાયા છે. અને અનેકવાર ટ્રકો રોકવામાં આવ્યા છે.

- text

ગઈ રાત્રિએ ૧૧ વાગ્યે નારણકા અને દેરાળા ગામના લોકોએ જનતા રેડ પડી ખનીજચોરી અટકાવવા રેતીથી ભરેલ ૪ ટ્રક રોકી માળીયા પોલીસને જાણ કરાઈ હતી. એ દરમ્યાન રાત્રિના સમયે ડ્રાઈવરોને જનતા રેડની જાણ થતાં પુરઝડપે પસાર થતી વેળાએ એક ટ્રક પલ્ટી મારી ગયો હતો. જો કે માળીયા મી. પોલીસમાંથી જાણવા મળતી માહિતી અનુસાર હાલ 2 ડમ્પર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા છે.

- text