મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની લેબ શરૂ કરવાની માંગ

- text


સાથે મોરબી સિવિલ હોસ્પિટલમાં પાયાની સુવિધાઓનો અભાવ દૂર કરી જરૂરી સ્ટાફની ભરતી કરવાની પણ રજુઆત

મોરબી : મોરબી જિલ્લો બન્યો ત્યારે આરોગ્ય બાબતે હવે મોરબીને અન્ય જિલ્લા પર આધાર નહીં રાખવો પડે એવી સામાન્ય નાગરિકોની આશા ઠગારી નીવડી છે. હાલ કોરોનાની મહામારી વચ્ચે જિલ્લાની મુખ્ય કહી શકાય એવી હોસ્પિટલમાં કોરના લેબ. ટેસ્ટનો અભાવ જોવા મળે છે. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલની અસુવિધા અને સ્ટાફ ઘટને લઈને મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી સહીતનાઓને રજુઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના 5 તાલુકાઓના દર્દીઓ માટે મોરબી સિવિલ હોસ્પિટલ આમ તો આશીર્વાદરૂપ સાબિત થવી જોઈએ, જો કે તેના બદલે મોરબી સિવિલ હોસ્પિટલને લઈને નાગરિકોમાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે. મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા અને મુસ્તાકભાઈ બ્લોચ સહિતનાઓએ આ બાબતે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યુમંત્રી- આરોગ્ય મંત્રી, જિલ્લા કલેકટર અને મોરબી-કચ્છ વિસ્તારના સાંસદને મોરબી સિવિલ હોસ્પિટલના નરોધળ તંત્ર અંગે રજુઆત કરી સત્વરે આ દિશામાં કાર્યવાહી કરવાની માંગ કરી છે.મોરબી સિવિલ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન નથી. કાયમી સિવિલ સર્જનની જગ્યા ખાલી પડી છે. હાડકાના દર્દીઓને છેક રાજકોટ સુધી લઇ જવા પડે છે. હાલ મોરબીમાં પણ કોરોના વકરી ગયો છે છતાં સ્થાનિક કક્ષાએ કોરોના ટેસ્ટ માટે લેબ ન હોવાથી સેમ્પલ રાજકોટ, જામનગર કે છેક અમદાવાદ સુધી મોકવા પડે છે. આવા ટેસ્ટ રિપોર્ટ બે દિવસે આવતા હોવાથી દર્દીની સારવારમાં વિલંબ થાય છે. મોરબી સિવિલ હોસ્પિટલ ખુદ માંદગીના બિછાને પડી હોય દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડી રહ્યો છે. વળી હોસ્પિટલમાં નાક, કાન, ગળા, ચામડી વગેરેના સર્જન જ નથી. આમ આ હોસ્પિટલ માત્ર કહેવા પૂરતી જ સિવિલ હોસ્પિટલ છે.

- text

સામાજિક કાર્યકરોએ પોતાની રજુઆતમાં આગળ જણાવ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા હોવા છતાં હોસ્પિટલના સ્ટાફ તેમજ દર્દીના પરિચિતોના મોબાઈલ અવારનવાર ચોરાઈ જવાના બનાવો બનતા રહે છે. સિક્યુરિટી સિસ્ટમના અભાવને લઈને દર્દી લે તેમના સગા-વ્હાલાઓની સુરક્ષા જળવાતી નથી. ચૂંટણી સમયે સિવિલ હોસ્પિટલને સંલગ્ન મેડિકલ કોલેજની સ્થાપનાની માત્ર વાતો જ કરવામાં આવે છે પણ એ દિશામાં યોગ્ય નિર્ણયનો અભાવ જોવા મળે છે એમ રજૂઆતના અંતમાં જણાવી સામાજિક કાર્યકરોએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત બાબતે સત્વરે યોગ્ય નિર્ણય લઇ મોરબી જિલ્લાના નાગરિકો માટે ઉત્તમ સુવિધા આપવામાં આવે.

- text