અમદાવાદમાં કોરોના દર્દીઓની સેવામાં મોરબીનાં ડોક્ટરો પણ ખડેપગે

- text


મોરબી : હાલ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ માં પણ કોરોનાના ઘણા બધા કેસો જોવા મળી રહ્યા છે, તેવા સમયે સમગ્ર તંત્ર કોરોના સામે યુદ્ધના ધોરણે લડી રહ્યું છે, અને અમદાવાદ ખાતે ફક્ત કોરોનાના દર્દીઓ માટે ૧૨૦૦ બેડની સુવિધા ધરાવતી અલાયદી સ્પેશિયલ કોવીડ હોસ્પિટલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઉભી કરવામાં આવેલ છે અને કોરોના સામેનાં આ મહાયુદ્ધમાં મોરબી આરોગ્ય ખાતાના તબીબો પણ પોતાના ઘર પરિવારથી દુર, રાત-દિવસ જોયા વગર, ગુજરાતના લોકોને કોરોનાથી બચાવવા અને કોરોનાગ્રસ્ત લોકોને હેમ-ખેમ સ્વસ્થ કરવા માટે મહારથી બની લડી રહયા છે, અને ખરા અર્થમાં ગુજરાત અને દેશની સેવા કરી રહ્યા છે.

જેમાં માળિયા તાલુકા ખાતેનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાના મેડીકલ ઓફિસર ડો. ભાવેશ સોલંકી, તેમજ વાંકાનેર તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠીનાં મેડીકલ ઓફિસર ડો. સાહિસ્તા કડીવાર હાલ અમદાવાદની અલાયદી સ્પેશિયલ ૧૨૦૦ બેડની કોવીડ હોસ્પિટલ ખાતે ફરજ બજાવી સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરી રહ્યા છે. તેમાય ખાસ કરીને ડો. સાહિસ્તા કડીવાર મોરબી જીલ્લાનાં આરોગ્ય વિભાગના પ્રથમ મહિલા તબીબ તરીકે કોરોના સામેની જંગમાં અમદાવાદ ખાતે કોરોના સામે લડી લોકોની સેવા કરી રહ્યા છે, જે મોરબી જીલ્લા માટે ખુબ ગૌરવની વાત છે.

ઉપરાંત, ડો. સંજય જીવાણી – મેડીકલ ઓફિસર – પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા, ડો. તનવીર સેરસીયા – મેડીકલ ઓફિસર – પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયા-રાજ, ડો. બ્રિજેશ મુંગરા – મેડીકલ ઓફિસર – પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી આ તમામ ડોકટરશ્રીઓ પણ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર માટે પોતાની ફરજ બજાવી કોરોનાને પરાજય આપવા સતત યુધ્ધ લડી રહયા છે.

તેમજ ડો. ઉમેશ કુમાર મંડલ, ડો. ચિંતન દોશી, ડો.રિયાજ ખોરજીયા આ અગાઉની ટીમમાં અમદાવાદ ખાતે સંતોષકારક રીતે ફરજ બજાવી પરત મોરબી પહોચી પરત પોતાની મોરબી ખાતેની ફરજ પર હાજર થઇ કામગીરી કરી રહ્યા છે, તથા મોરબી જીલ્લામાંથી ૬ આર.બી.એસ.કે. ડોકટર, ફાર્માસિસ્ટઓ, તથા એફ.એચ.ડબલ્યુ. બહેનો વગેરેની ટીમો ગાડી તથા ડ્રાઈવરો સહિત અમદાવાદ ખાતે હોટ સ્પોટ કહેવાતા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફરજ બજાવવા જઈ ચૂકેલ છે. અને હાલની અન્ય ૬ ટીમો પણ અમદાવાદ ખાતે કન્ટેન્ટમેન્ટ ઝોન માં ફરજ બજાવી રહેલ છે.

- text

આમ અમદાવાદ ખાતેના કોરોના સામેના મહાયુધ્ધમાં મોરબી જિલ્લાનાં આરોગ્ય વિભાગના ડોકટરઓ અને આરોગ્ય સ્ટાફ નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. જે બદલ તેમનો પરિવાર અને મોરબી આરોગ્ય તંત્ર તેઓને અભિનંદન તેમજ સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવે છે, અને ગુજરાતનાં દરેક વ્યકિત આ મહાયુધ્ધમાં પોતાનું યોગદાન આપે, અને જેમ હું પણ કોરોના વોરીયર્સ, આપ પણ કોરોના વોરીયર્સ, આપણે સૌ “કોરોના વોરીયર્સ”નાં નારાને સાર્થક કરી આવો સૌ સાથે મળી કોરોના સામેના જંગમાં ગુજરાતને વિજય અપાવીએ. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી જિલ્લા પંચાયત મોરબીની યાદીમા જણાવવામાં આવ્યુ છે.

- text