મહેન્દ્રપરામાં છ માસથી ઉભરાતી ગટરની ગંદકીથી નર્કથી બદતર હાલત

- text


કોરોનાના કહેર વચ્ચે પણ ગટરની સમસ્યા ઉકેલવામાં નિભરતા દાખવતું તંત્ર : સ્થાનિકોમાં ભારે આક્રોશ

મોરબી : મોરબીના મહેન્દ્રપરામાં છ માસથી ઉભરાતી ગટરની ગંદકીથી નર્કથી બદતર હાલત થઈ ગઈ છે. કોરોનાના કહેર વચ્ચે પણ ગટરની સમસ્યા ઉકેલવામાં તંત્ર નિભરતા દાખવતું હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે આ વિસ્તારમાં રોગચાળો વધુ વકરે તે પહેલાં તંત્ર ગટરની સમસ્યા ઉકેલવાની નિષ્ઠાપૂર્વક નક્કર કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ગટર ઉભરાવવાનો સળગતો પ્રશ્ન છે. મહેન્દ્રપરા વિસ્તારની શેરી-ગલીઓમાં ગટર એટલી હદે ઉભરાઈ છે કે વગર ચોમાસે આ વિસ્તાર પાણી-પાણી થઈ જાય છે. આ વિસ્તારમાં ગટરની ઉભરાતી ગંદકી નદીના વહેણની જેમ વહીને બેસુમાર ગંદકી ફેલાવે છે. છેલ્લા છ માસથી આ ગંભીર સમસ્યા હોવા છતાં પાલિકા તંત્ર નીંભરતા દાખવામાંથી ઊંચું નથી આવતું. જેથી ગટરના પાણી સતત ઓવરફ્લો થયા કરે છે.

- text

જોકે અહીંયા લોકડાઉન પહેલા પણ ગટર ઉભરાવવાની સમસ્યા હતી અને હાલ કોરોનાના કહેર વચ્ચે આ વિસ્તારમાં ગટર ઉભરાવી સમસ્યા વિકટ બની ગઈ છે. જેમાં હાલ મહેન્દ્રપરા શેરી નંબર 22 માં હદ બહારની ગટર ઉભરાઈ રહી છે. શેરીમાં લોકોના ઘર પાસે ગટરના ગંદા પાણીના સરોવર ભરાયા હોવાથી વાહન તો ઠીક ચાલીને નીકળવામાં પણ સ્થાનિકોને ભારે મુશ્કેલી પડે છે અને ગટરની ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાનું જોખમ વધ્યું છે. જોકે આ વિસ્તારના લોકોએ ગટરની સમસ્યાની રજુઆત કરવામાં કોઈ કસર છોડી નથી. પણ તંત્ર અક્ષમ્ય બેદરકારી દાખવાનું યથાવત રાખતા હાલ કોરોનાના કહેર વચ્ચે સ્થાનિકોનું આરોગ્ય ભગવાન ભરોસે થઈ ગયું છે.

- text