વાઘપર ગામે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકનું ઉદ્ઘાટન

- text


કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના હસ્તે સહકારી બેંકનુ ઉદઘાટન થયું : મોટર સાઇકલ, ઇનામ વિતરણ અને ખેડૂત શિબિર યોજાઈ : શહીદ પરિવારોને હાથોહાથની સહાય પહોંચાડતા અજય લોરીયાનું અદકેરું સન્માન કરાયું

મોરબી : મોરબી તાલુકાના નાના એવા વાઘપર ગામે આખરે ગામ લોકોને બેંકની સુવિધા મળવાનું સપનું સાકાર થયું છે. જેમાં આજે વાઘપર ગામે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ બેન્કનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ઘનશ્યામભાઈ ખટારીયા, સરપંચ કેશવજીભાઈ કડીવાર, ડી. સી. પટેલ, અજય લોરીયા, મગનભાઈ વડાવીયા સહીતના મહાનુભવો હાજર રહ્યા હતા. વાઘપર ગામે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો. ઓપ. બેંકની શાખાના નવનિર્મિત ભવનના ઉદઘાટન સાથે મોટર સાયકલ ઇનામ વિતરણ અને ખેડૂત શિબિર યોજાઈ હતી. જ્યારે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા તાજેતરમાં દેશની સર્વોચ્ચ સંસ્થા ઇફકો ન્યુ દિલ્હીના ડિરેક્ટર પદે ચૂંટાતા તેમનું સન્માન કરાયું હતું. તેમજ આ બેંકના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા તાજેતરમાં દેશની વિશાળ સહકારી સંસ્થા કૃભકોના ચેરમેન તરીકે ચૂંટાતા તેમનું પણ સન્માન કરાયું હતું. જ્યારે રાજકોટ ડ્રિસ્ટિકટ બેંકની વસુલાત ઈનામી યોજના હેઠળ વિજેતા મંડળીઓને મોટર સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગામના અગ્રણી અને શહીદોને હાથોહાથની સહાય પહોંચડાવામાં યોગદાન આપનાર અજય લોરીયાનું સન્માન કરાયું હતું.

આ બેંક તરફથી ખેડૂતો માટે રૂ. 10 લાખનો વીમો લેવામાં આવે છે. આ યોજનામાં જોડાયેલા અને અવસાન પામેલા ખેડૂતોના વારસદારોને 10-10 લાખ મળીને કુલ રૂ. 1 કરોડના વીમાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ ખેડૂત શિબિરમાં ખેડૂતોને પાક, પાણી અને ખાતર અંગે નિષ્ણાતો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જયેશભાઇ રાદડિયાએ બેંકમાં ખેડૂતલક્ષી યોજના શરૂ કરી ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા ખેડૂતોનું હિત ધ્યાને રાખીને દરેક પ્રવૃતિઓ કરવા પર ભાર મુક્યો હતો.

- text

ઉલ્લેખનીય છે કે હાલ બેંકમાં ડિપોઝીટ રૂ. 5200 કરોડ, ધીરાણો રૂ. 4000 કરોડે પહોંચ્યું છે. તા 31/3/2019 એ બેંકનો નફો રૂ. 125 કરોડ થયો છે. બેંકની વસુલાત 99.85 ટકા થઈ અને બેંકનું નેટ એન.પી.એ 0 ટકા છે.

- text