માળીયા મી.ની કોર્ટમાંથી લાખોની રોકડ ઉચાપત કરનાર ઇન્ચાર્જ રજિસ્ટ્રારને રિમાન્ડ પર લેવાની તજવીજ

- text


મોરબી લવાયેલા આરોપી પર સરકારી તિજોરીમાં જમા કરાવવાની લાખોની રકમ ઉચાપત કરવાનો ગુન્હો દાખલ

મોરબી : માળીયા મી.ની કોર્ટમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રારની ફરજ બજાવતા કર્મચારી સામે માળીયા મી.ના પો.મથકમાં કોર્ટના રૂપિયાની ઉચાપત કરવાની ફરિયાદ નોંધાતા સી.પી.આઈએ માળીયા જઈ આરોપીને સકંજામાં લઈ વધુ પૂછપરછ માટે મોરબી લઈ આવી રિમાન્ડ પર મેળવવાની તજવીજ આદરી છે.

- text

મોરબી જિલ્લાની માળીયા કોર્ટમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા યોગેશસિંહ ચૌહાણે કોર્ટમાં જુદા જુદા હેડમાં આવતી અને સરકારી તિજોરીમાં જમા કરાવવાની રોકડ રકમની ઉચાપત કર્યાની ફરિયાદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા માળીયા પો. મથકમાં કરવામાં આવી હતી. મોરબી જિલ્લા રજિસ્ટ્રારે જ્યારે એકાઉન્ટ રેકોર્ડ તપાસ્યું ત્યારે 2.37 લાખની રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી મોરબી જિલ્લા કોર્ટના રજિસ્ટ્રાર ભરતભાઇ શાંતિલાલ રાવલ દ્વારા યોગેશસિંહ હરીશસિંહ ચૌહાણ સામે માળીયા પો.મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી હતી. પ્રાથમિક તપાસ દરમ્યાન 2018ના મે માસથી 2020ના જાન્યુઆરી માસ દરમ્યાન સમયાંતરે જુદા જુદા હેડની હેઠળ સરકારી તિજોરીમાં જમા કરાવવાની થતી રકમ આશરે 2.37 લાખ રૂપિયા જમા ન કરાવીને આરોપીએ પોતાના અંગત ઉપીયોગમાં લીધા હોવાનું જણાઈ આવતા IPC કલમ 406, 409 અને 420 મુજબ ગુન્હો દાખલ કરી આરોપીનો કબજો લઈ વહેલી સવારે મોરબી લવાયો છે. આરોપી યોગેશસિંહ ચૌહાણે આ રકમ કેવી રીતે ઉચાપત કરી અને એ રકમ ક્યાં વાપરી છે, અન્ય કોઈ તેની સાથે સંડોવાયેલું છે કે કેમ એ અંગે વધુ વિગતો મેળવવા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. બનવાની વધુ તપાસ સીપીઆઈ આઈ.એમ.કોંઢિયા ચલાવી રહ્યા છે.

- text