મોરબી જુનાં બસ સ્ટેન્ડમાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકી સક્રિય

- text


મોરબી : શહેરના જુના બસ સ્ટેન્ડમાં ગીર્દીનો ગેરલાભ ઉઠાવીને મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળી સક્રિય થઈ હોવાનું ભોગ બનનાર મુસાફરોના કથન અનુસાર સામે આવ્યું છે. મુસાફરોનું ધ્યાન ચૂકવી અને ગીર્દીનો ગેરલાભ લઈ આ ટોળકીના ઉઠાવગીરો મોબાઈલ, પર્સ, પૈસા સહિતની માલમતા ઉપર હાથ સાફ કરી જતા હોવાની રાવ ઉઠી છે. ત્યારે જુના બસ સ્ટેન્ડમાં સુરક્ષાને લઈને કરવામાં આવેલી વ્યવસ્થાના છીંડા સામે આવ્યા છે.

મોરબીના જુના બસ સ્ટેન્ડમાં પાકીટ-મોબાઈલની તફડચંડી કરતી ગેંગ સક્રિય બની હોય એમ છાસવારે મુસાફરોના ખિસ્સા હળવા થઈ જતા હોવાની રાવ ઉઠી છે. ભારે ગીર્દીનો ગેરફાયદો ઉઠાવીને બસમાં ચડતા ઉતારુઓના ખિસ્સા હળવા કરતી આ ટોળકીના ઉઠાવગીરો તફડચંડી કરીને બસમાં બેસતા ન હોવાથી બસ ઉપડી ગયા બાદ મુસાફરનું ધ્યાન જાય છે કે તેનું પાકીટ-પૈસા કે મોબાઈલ કોઈ સેરવી ગયું છે. ત્યાં સુધીમાં તો તફડચંડી કરનાર ક્યાંયનો ક્યાંક નીકળી ગયો હોય છે.

- text

જુના બસ સ્ટેન્ડ પર મુસાફરોની સુરક્ષાને લઈને સીસીટીવી કેમેરા સહિત સ્થાનીય પોલીસ ગોઠવવામાં આવ્યા હોવા છતાં મુસાફરોના ખિસ્સા હળવા થઈ જતા હોવાના બનાવો વારંવાર બનતા હોય છે. બસ ઉપડી ગયા બાદ મુસાફરને ખિસ્સું હળવું થયા હોવાનો ખ્યાલ આવતો હોવાથી બસ સ્ટેન્ડમાં આ બાબતની ફરિયાદ નોંધાવવા તે પરત ફરતો ન હોવાથી મોટા ભાગના બનાવો ચોપડે નોંધાતા નથી.

બે દિવસ પહેલા દિલીપભાઈ દલસાનીય નામના મુસાફરનું અમદાવાદ જતા સમયે બસમાં ચડતી વખતે કોઈ શખ્સે પાકીટ સેરવી લીધું હતું. જો કે દિલીપભાઈએ દેકારો કરી મુક્તા પાકિટમારે પકડાઈ જવાના ડરે કોઈનું ધ્યાન ન જાય એમ પાકીટ ફેંકી દીધું હતું. આમ મુસાફરના સ્વાંગમાં મોરબી જુના બસ સ્ટેન્ડ પાકેટમાર ગેંગ સક્રિય થઈ હોય તંત્ર મુસાફરોની માલમતાની સલામતી માટે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરે તેવી લોકમાંગણી પ્રબળ બની છે. લોકો પણ થોડી સાવચેતી રાખે તો આવા તત્વોને ઝડપી પાડવા સરળ બને એવું મુસાફરોમાં ચર્ચાઈ રહ્યું છે.

- text