મોરબી યુવા જ્ઞાનોત્સવમાં ખેડૂતોના હાથના ચાપડી ઊંધિયું, ઓળો- રોટલાનો ચટાકો માણતા શહેરીજનો

- text


ઓર્ગેનિક ફળો- શાકભાજી, વલોણાની છાસ, હેંડીક્રાફટ, માટીના વાસણ, ફાસ્ટફૂડ, દેશી બિયારણ, અથાણા, ઓર્ગેનિક શેરડીનો રસ, વિવિધ પ્રકારના શરબતો, શસ્ત્ર પ્રદર્શન સહિતના સ્ટોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર

મોરબી : મોરબી યુવા જ્ઞાનોત્સવના કાર્યક્રમમાં આવતા શહેરીજનો ખ્યાતનામ વક્તાઓના વક્તવ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથોસાથ વિવિધ સ્ટોલમાં મળતી લિજ્જતદાર ખાણીપીણીનો પણ લ્હાવો લઈ રહ્યા છે. ખાસ અહીં ખેડૂતોના હાથના બનેલા ચાપડી ઊંધિયું અને ઓળો રોટલો લોકોને દાઢે વળગ્યા છે.

મોરબી યુવા જ્ઞાનોત્સવ મધ્યમાં પહોંચ્યું છે. બે સેશન પૂર્ણ થઈ ગયા છે. અને હજુ બે સેશન બાકી છે. આ બે સેશન દરમિયાન વિવિધ સ્ટોલો શહેરીજનોના આકર્ષણનું છે. અહીં ખેડૂતો પોતાના હાથે ઓળો અને જાર, બાજરા તેમજ મકાઈના રોટલા પ્રાચીન પદ્ધતિથી બનાવીને ભાવપૂર્વક પીરસી રહ્યા છે. આ ઉપરાંત એક સ્ટોલમાં ચાપડી ઊંધિયું પણ બનાવવામાં આવે છે. જેની ખાસિયત એ છે કે ઊંધિયુંમાં ખેડૂતોએ ઓર્ગેનિક પદ્ધતિથી બનાવેલા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત અહીં એક સ્ટોલમાં વરિયાળી, ફિંડલા, તકમરીયા સહિતના શરબતો મળે છે. ઉપરાંત ઝીરો બજેટથી ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર થયેલ શેરડીમાંથી કાઢેલો તાજો રસ પણ મળે છે.

આ ઉપરાંત અહીં ખેડૂતો દ્વારા સ્ટોલમાં ઓર્ગેનિક શાકભાજી અને ફળોનું વેચાણ પણ કરવામાં આવે છે. સાથે દેશી બિયારણ, અથાણા, ખજૂર પાક, કચરિયું, દેશી વલોણાથી બનાવેલ છાસ, હેંડીક્રાફટ, માટીના વાસણો અને ફાસ્ટફૂડ પણ મળે છે. આ ઉપરાંત અહીં પોલીસ તંત્ર દ્વારા શસ્ત્ર પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે. જેમાં એકે 47 સહિતના હથિયારોનું નિદર્શન કરાવીને તેના વિશે માહિતી આપવામાં આવી રહી છે. આ સાથે 181નો સ્ટોલ જેમાં મહિલા સબંધિત કાયદા અંગે જાણકારી આપવામાં આવી રહી છે. ગાયત્રી પરિવારના સ્ટોલમાં 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે પુસ્તકોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ચિત્રલેખાના સ્ટોલમાં પણ પુસ્તકોનું વેચાણ કરવામાં આવે છે. પુરવઠાના સ્ટોલમાં રાશનકાર્ડને સબંધિત પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે.

- text

ડિઝાસ્ટર અને મતદાન જાગૃતિના સ્ટોલ પણ છે. સાથે ખોડિયાર સ્ટીલ ફર્નિચરનો સ્ટોલ છે. જેમાં ખુરશીઓ રાહત ભાવે વેચવામાં આવી રહી છે. જય ગણેશ હીરોનો સ્ટોલ છે જેમાં હીરોના વિવિધ મોડેલોનું પ્રદર્શન અને તેને લગતી જાણકારી આપવામાં આવી રહી છે. આમ અહીં અનેકવિધ સ્ટોલ છે.જેનો લ્હાવો મોરબીવાસીઓ લઈ રહ્યા છે. ઉપરાંત જે કોઈએ હજુ આ સ્ટોલની મુલાકાત ન લીધી હોય તો હજુ બે સેશન બાકી છે. અવશ્યપણે આ સ્ટોલની મુલાકાત લેજો.

- text