હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં દીપડો દેખાયાની ચર્ચા

- text


અમારી ટીમ તપાસ અર્થે ગઇ છે તપાસ કર્યા બાદ સાચી હકીકત જણાવીશું : ફોરેસ્ટ અધિકારી

હળવદ : ગતરાત્રીના હળવદ તાલુકાના ચરાડવા અને ડુંગરપુર ગામની સીમ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. આ દીપડાને વાડીમાં પાણી વાળતા એક ખેત મજૂરે જોયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે ખરેખર દીપડો હળવદ વિસ્તારમાં આવ્યો છે કે નહીં તેમ સહિતની જાણકારી મેળવવા વનવિભાગની ટીમ તપાસ અર્થે દોડી ગઇ હોવાનું જાણવા મળ્યું છે. જે તપાસ થયા બાદ જ જાણવા મળશે કે ખરેખર દીપડો આવ્યો છે કે માત્ર અફવા છે.

ગત મોડી રાત્રીના હળવદ તાલુકાના ડુંગરપુર અને ચરાડવા ગામની સીમ વિસ્તારમાં વાડીમાં પાણીવાળી રહેલ મજુર એ દીપડો જોયો હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. તેમજ આ વિસ્તારોમાં ક્યાંકને ક્યાંક લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. જેથી હાલ ફોરેસ્ટની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર આ વિસ્તારમાં દીપડો આવ્યો છે કે માત્ર અફવા જ ફેલાવવામાં આવી રહી છે. હાલ, ફોરેસ્ટની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ અગાઉ પણ ઘણી વખત તાલુકાના માનસર, ખેતરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હોવાની અફવા ચાલી હતી પરંતુ વનવિભાગની તપાસ બાદ કોઇ પ્રકારની દીપડો દેખાયાની સાબિતી ન મળતાં માત્ર અફવા હોવાનું સામે આવ્યું હતું ત્યારે ચડવાને ડુંગરપુર ગામની સીમ વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની ચર્ચાને પગલે કનકસિંહ પરમાર, સી. આર. બરોલીયા, વિષ્ણુભાઈ રબારી, રોહિતભાઈ સોનગરા, પ્રવીણભાઈ સહિતની વનવિભાગની ટીમ હાલ તપાસ અર્થે દોડી ગઇ છે.

- text

તાલુકાના ચરાડવા ડુંગરપુર ગામની સીમ વિસ્તારમાં દીપડો દેખાયાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. સામાન્ય રીતે દિપડાના પગના નિશાન તેમજ મારણ કરેલું હોય તેના પરથી નક્કી થતું હોય છે તેમ છતાં પણ હાલ અમારી ટીમને તપાસ અર્થે મોકલી તપાસ કરવામાં આવી રહી છે. સાચી હકીકત તપાસ કર્યા બાદ જ જાણવા મળશે. લોકોએ અફવાથી દૂર રહી જો આવું કોઈ હકીકત જાણવા મળે તો વન વિભાગનો સંપર્ક કરી શકે છે.

ચરાડવા ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણભાઈ સોનગરા એ જણાવ્યું હતું કે અમારા ગામની સીમ વિસ્તારમાં ગતરાત્રીના દીપડો દેખાયો હોવાની ચર્ચા મને ગામમાંથી સાંભળવા મળી છે. જેથી, હાલ આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી છે.

- text