ટંકારાના સાવડી ગામે વૃદ્ધની લૂંટના ઇરાદે હત્યા કરાઈ હોવાનો ખુલાસો : ગુન્હો નોંધાયો

- text


રાજકોટ સિવિલમાં મૃતદેહના ફોરેન્સિક પીએમ રિપોર્ટ બાદ ગળું દબાવી હત્યા થયાનો ઘટસ્ફોટ થયો : લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનો પ્રાથમિક ખુલાસો

ટંકારા : ટંકારાના સાવડી ગામે વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે ટંકારા પોલીસે નોંધ કરીને મૃતદેહને ફોરેન્સિક પી.એમ અર્થે રાજકોટ સિવિલમાં મોકલ્યો હતો. જ્યાં પી.એમ.બાદ વૃદ્ધની હત્યા થઈ હોવાનું જાણમાં આવ્યું છે.

- text

ટંકારા તાલુકાના સાવડી ગામે વાડીની ઓરડીમાંથી ઘેલાભાઈ વશરામભાઈ ચૌહાણ ઉ.વ.62નો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોએ ગળા ઉપર ઇજાના નિશાન હોવાથી હત્યાની આશંકા સાથે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. અહીં ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ ઘેલાભાઈની હત્યા થઈ હોવાનો રિપોર્ટ આવતા પરિવારજનોની આશંકા સાચી પડી હતી. વૃદ્ધની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હોવાનો ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં ખુલાસો થતા એ દિશામાં તપાસ કરતી પોલીસ હાલ લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાનું માનીને તપાસ ચલાવી રહી છે. ટંકારા પોલીસે હત્યાની કલમ ઉમેરી જે સ્થળેથી મૃતદેહ મળ્યો હતો એ વાડી અને આજુબાજુના વિસ્તારની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. બનાવની ઝીણવટભરી તપાસ ટંકારા પીએસઆઇ એલ.ડી.બગડા ચલાવી રહ્યા છે.

- text