થેંક્યુ : માત્ર ઔપચારિકતા નહીં પણ લાગણી દર્શાવતો શબ્દ

- text


(જાગૃતિ તન્ના “જાનકી”)
ગુજરાતીમાં આભાર, હીન્દીમાં ધન્યવાદ કે અંગ્રેજીમાં થેંક્યુ – એવો શબ્દ જેનો આપણે લોકો આપણી રોજબરોજની જિંદગીમાં અવારનવાર ઉપયોગ કરતા હોઈએ છીએ. જેને એક જાતનો શિષ્ટાચાર ગણવામાં આવે છે. જેના કારણે કદાચ thank you શબ્દની ઓળખ માત્ર એક ફોર્માલિટી પૂરતી રહી ગઈ છે. મિત્રતામાં ફિલ્મનો પેલો ડાયલોગ ખૂબ પ્રખ્યાત છે કે, “દોસ્તી મેં નો સોરી નો થેંક્યુ.” ને આપણા પરિવારના સભ્યોને તો આપણે ભાગ્યે જ થેંક્યુ કહેતા હોઈએ છીએ. કેમ કે તેઓ આપણા માટે જે બધું કરતા હોય છે એમાં આપણને તેમની ફરજ અને આપણો હક દેખાતો હોય છે. આપણે તેમણે આપણા માટે કરેલ બાબતોને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ અને ક્યારેક એમ થાય કે આપણો પરિવાર, આપણા મિત્રો આપણા માટે જે બધું કરતા હોય છે, એના માટે કદાચ થેંક્યુ શબ્દ નાનો લાગે. ભલે થેંક્યુ શબ્દને એક ઔપચારિકતા ગણવામાં આવે છે, પણ એ નાનકડા શબ્દની અંદર પણ લાગણીઓ રહેલી હોય છે, કોઈના તરફની કૃતજ્ઞતાની લાગણી.  કોઈને થેંક્યુ કહેવું તે, એ વાતની સાબિતી છે કે કોઈએ તમારા માટે જે કંઈ કર્યું, એની તમને કદર છે. તો રાહ શેની જુઓ છો? અત્યાર સુધી નથી કહ્યું તો હવે કહી દો તમારે જેમને કહેવાનું હોય એમને. ને પાછું ‘આજે તો મોકા ભી હૈ ઔર દસ્તૂર ભી’ કોઈને થેંક્યુ કહેવા માટે આજના thanks giving day થી વધુ યોગ્ય બીજું શું કહી શકાય? ઘણાને પાછું એમ પણ થાય કે આ તો પશ્ચિમી અનુકરણ કહેવાય પણ આપણે બીજું પણ ઘણું અપનાવેલું જ છે ને. કોઈનો આભાર માનવો એ તો સારી બાબત જ ગણાય ને. તેમજ કોઈની સારી બાબતનું અનુકરણ કરવું એને તો આપણે ત્યાં એક જાતનો ગુણ ગણવામાં આવે છે. અને હા સૌથી મહત્વની વાત કે જે ઈશ્વરે આપણને આ અમૂલ્ય ને સરસ મજાની જિંદગી આપી છે, તેમને દરરોજ એક નવી સવાર – જિંદગીનો એક નવો દિવસ આપવા બદલ થેંક્યુ કહેવાનું ક્યારેય ન ભૂલીએ.

- text

– જાગૃતિ તન્ના “જાનકી”

- text