હરિયાણાથી સૌરાષ્ટ્રમાં આવતો દારૂ ભરેલો ટ્રક માળિયા નજીકથી ઝડપાયો

- text


બોગસ ટ્રાન્સપોર્ટ બિલ્ટીના આધારે પરપ્રાંતમાંથી દારૂ ઘુસાડવાના પ્રયાસનો વધુ એક વખત પર્દાફાશ

માળીયા (મી.) : મોરબી જીલ્લાના મળિયા (મી.) નજીકથી આર.આર.સેલ.ની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલા ટ્રકને પકડાયો છે અને ટ્રકમાંથી પોલીસે દારૂની ૬૦૨૪ બોટલ કબજે કરીને ટ્રક ચાલકની ધરપકડ કરેલી છે. ઝડપાયેલા દારૂની કિંમત રૂપિયા ૧૮ લાખ અને ટ્રક તેમજ મોબાઈલ ફોન મળીને કુલ ૩૮.૧૩ લાખનો મુદામલા પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. ટ્રકના ચાલકની પ્રાથમિક પૂછપરચમાં દારૂનો જથ્થો મોક્લાવનાર અને મંગાવનારા ચાર શખ્સોના નામ ખુલ્યા હોવાથી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને પાંચ શખ્સોની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આ કેસની આગળની તપાસ મોરબી જીલ્લા એલસીબીને સોપવામાં આવી છે.

મોરબી જિલ્લામાંથી સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જવા માટેના મુખ્ય માર્ગો પસાર થતા હોવાથી મોરબીમાં કચ્છ હાઇવે તેમજ વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી અનેક વખત વિદેશી દારૂનો મોટો જથ્થો આર.આર.સેલ, એલસીબી, સ્થાનિક પોલીસ વગેરે શાખાઓ દ્વારા પકડવામાં આવે છે. દરમિયાન ગઈ કાલ રાતે આર.આર.સેલની ટીમે માળિયા તાલુકાની હદમાં સામખયારી ચેકપોસ્ટની બાજુમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલ ટ્રક સાથે એક શખ્સને દબોચી લીધો છે અને તેની પાસેથી હરીયાણામાંથી દારૂનો જથ્થો ટ્રકમાં ભરી આપનારા ચાર શખ્સોના નામ ખુલ્લા છે. તેમજ રાજકોટ નજીક જેને આ દારૂનો જથ્થો આપવાનો હતો તે શખ્સનો મોબાઇલ નંબર પણ મળી આવ્યો હોવાથી આરઆરસેલની ટીમે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની ફરીયાદ નોંધાવી છે. હરિયાણામાંથી દારૂનો મોટો જથ્થો ટ્રક મારફતે રાજકોટ પહોંચાડવા માટે બુટલેગરો સક્રિય હોવાની હકીકત આર.આર.સેલની ટીમને મળી હતી. આથી આર.આર.સેલની ટીમ દ્વારા મોરબી જિલ્લાના માળીયા હાઈવે ઉપર સૂરજબારી ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન ત્યાંથી ટ્રક નંબર RJ 09 A GB 9896 પસાર થઈ રહ્યો હતો જેને રોકીને તેની પોલીસ દ્વારા તલાસી લેવામાં આવતા આ ટ્રકની અંદર બનાવવામાં આવેલ ચોર ખાનામાંથી કુલ મળીને ૬૦૨૪ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૮.૦૭ લાખના અને ટ્રક, મોબાઇલ ફોન તેમજ રોકડા રૂપિયા મળીને ૩૮.૧૩ લાખનો મુદામાલ પોલીસે કબજે કર્યો છે.

- text

પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આ બનાવમાં આર.આર.સેલના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ કિરીટસિંહ ચુડાસમાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ટ્રકનો ડ્રાઈવર રણબીર ચંદ્રરદીપચંદ મલીક ચૌધરી જાટ ઉ.૪૨ રહે, ખાનપુર તાલુકો કલા હરીયાણા વાળો પોતાના ટ્રકમાં બનાવેલ ચોર ખાનામાં દારૂનો જથ્થો લઇને હરીયાણાથી ગુજરાતમાં આવ્યો હતો. તેના ટ્રકમાં ભરવામાં આવેલ દારૂનો જથ્થો રાજકોટ નજીક આપવાનો હતો અને રણબીરના ટ્રકમાં જાફરપુર દિલ્હી વાળા પવનકુમાર રામકુમાર યાદવ, મનોજ યાદવ, દિપક યાદવ અને મુન્સી રાજેશચંદ્ર યાદવએ દારૂનો જથ્થો ભરી આપ્યો હોવાનું તેને પ્રાથમિક પુછપરછમાં કબુલ્યુ છે અને રાજકોટમાં જે શખ્સને માલ આપવાનો હતો તેનો મોબાઇલ નંબર પણ મળી આવ્યો છે. જેથી છ શખ્સોની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. આ કામગીરી આરઆરસેલના પીઆઈ મનીષ વાળા, સાયબર સેલના પીઆઈ રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ સુરેશભાઈ હુંબલ, શક્તિસિંહ ઝાલા, કુલદીપસિંહ ચુડાસમા તેમજ સંતોષભાઈ પાલ દ્વારા કરવામાં આવી હતી.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે આ અગાઉ બોગસ બિલ્ટીના આધારે આર્મીનો સામન, મેડીકલનો સામન વિગેરે જુદી જુદી પ્રોડક્ટ લઈને નીકળતા વાહનોની અંદરથી દારૂ મળી આવ્યો છે. તેવી જ રીતે ગઇકાલે રાત્રે માળીયા નજીકથી દારૂનો જથ્થો ભરેલી ટ્રક પકડાયેલ છે. જેમાં પણ બોગસ બિલ્ટીના આધારે દારૂના જથ્થાની સપ્લાય કરવાની મોડેસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી. પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે હરિયાણાથી દારૂનો જથ્થો ભરીને નીકળેલ ટ્રક રાજકોટ તરફ મોકલવાનો હતો અને આ ટ્રકની અંદર ચોર ખાનામાં દારૂ ભરેલ હતો જો કે ઉપરના ભાગે પોલીસ સહિતના લોકોને ગુમરાહ કરવા માટે ત્રણ ટન જેટલો ગ્લાસ સ્ક્રેપ એટલે કે તૂટેલા કાચનો જથ્થો ટ્રકમાં ભરવામાં આવ્યો હતો અને આ માલ દ્વારકા પાસે કોઈ ફેકટરીમાં મોકલવામાં આવી રહ્યો છે તેવી બોગસ બિલ્ટી પણ ડ્રાઈવર પાસેથી મળી આવી હતી. જો કે, પોલીસની સતર્કતાને કારણે હાલમાં ૧૮ લાખની કિંમતનો દારૂ રાજકોટ જિલ્લા સુધી પહોંચે એ પહેલા જ મોરબી જિલ્લામાં ઝડપી લેવામાં આવ્યો છે. હાલ તો પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text