મોરબી જિલ્લામાં ગૌચર પર ખડકાયેલા દબાણો દૂર કરવા માંગ

- text


આગામી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ પ્રશ્ન ઉઠાવવા કમર કસતું કોંગ્રેસ માલધારી સેલ :

મોરબી : મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગૌચરની જમીનો પર આડેધડ દબાણો ખડકાઈ ગયા હોવાથી માલધારીઓ માટે મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલ દ્વારા આગામી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ પ્રશ્નને લઈને રજુઆત કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલ દ્વારા મોરબી જિલ્લા કલેકટરને ગૌચરની જમીન પર ખડકાઈ ગયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા અને આગામી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ પ્રશ્નને અગ્રતાક્રમ આપવા રજુઆત કરાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રમેશ બી રબારીએ આ અંગે કલેકટરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં ગૌચર પર થયેલા દબાણોનો વ્યાપ વધતો જાય છે. આથી જે તે ગામના સરપંચ અને મંત્રી મારફત સર્વે કરાવી આ દબાણો દૂર કરવા જરૂરી સૂચના આપવામાં આવે. દરેક ગામમાં પશુ નોંધણી થાય અને તેનું રજિસ્ટ્રર મેન્ટેન થાય તેવી રજુઆત કોંગ્રેસ માલધારી સેલ દ્વારા કરવામાં આવી છે.

- text

અગાઉ થયેલા ફરિયાદ નિવારણ કાર્યક્રમોમાં અનેકોવખત આ બાબતે રજુઆત કરવામાં આવેલી હોવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવતું ન હોવાનો આક્ષેપ પણ આ રજુઆતમાં કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લાના ઊંચી મંડલ ગામે થયેલ દબાણ બાબતે છેક 2016માં રજુઆત કરવામાં આવી હતી આમ છતાં આ દબાણો હજુ દૂર થયા નથી. આ ઉપરાંત શારદાનગરનું વનાળિયા ગામ, ટંકારા તાલુકાનું લજાઈ ગામ સહિતના અનેક ગામોના ગૌચર પર થયેલા દબાણો બાબતે તંત્રને વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં હજુ આ દબાણો યથાવત છે. આવનારા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ અંગે ત્વરિત કામગીરી હાથ ધરવા પત્રમાં રજુઆત કરવામાં આવી છે.

——————————————————————————————————

- text