વાંકાનેરના સબ રજિસ્ટ્રાર રૂ.5 હજારની લાંચ લેતા ઝડપાયા

- text


વેચાણ કરેલા મકાનના દસ્તાવેજ કરી આપવા માટે લાંચ માંગી હતી

વાંકાનેર : વાંકાનેરના સબ રજિસ્ટ્રાર રૂ.5 હજારની લાંચ લેતા રંગેહથે એસીબીના છટકામાં ઝડપાઇ જતા ભારે ચકચાર મચી ગઇ છે. જમીન મકાન લે વેચ કરતા ધંધાર્થી પાસે વેચાણ કરેલા મકાનનો દસ્તાવેજ બનાવવા માટે સબ રજિસ્ટ્રારએ રૂ.40 હજારની લાંચ માંગ્યા બાદ રૂ.10 હજાર આપવાનું નક્કી થયું હતું અને રૂ.5 હજારનો એક હપ્તો આપી દીધા બાદ બાકીના 5 હજાર આપવામાં માટે મામલો એસીબીમાં પહોંચતા એસીબીએ સફળ રીતે ટ્રેપ ગોઠવી હતી.

- text

આ બનાવની એસીબી પાસેથી મળતી વિગતો અનુસાર વાંકાનેરમાં જમીન મકાનના લે વેચનું કામ કરતા અરજદારે ગત.તા.11 સપ્ટેબરના રોજ મકાન વેચ્યું હતું.આ મકાનનો દસ્તાવેજ બનાવવા માટે તેમણે વાંકાનેરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા અને રાજકોટ રામકૃષ્ણ નગરમાં રહેતા સંજયભાઈ કાંતિભાઈ મહેતાનો સંપર્ક સાધ્યો હતો.પણ આ સબ રજિસ્ટ્રારએ મકાનનો દસ્તાવેજ બનાવવા માટે જમીન મકાનના ધંધાર્થી પાસેથી રૂ.40 હજારની લાંચની માંગણી કરી હતી.જોકે રકઝકના અંતે રૂ.10 હજારની લાંચ આપવાનું નક્કી થયું હતું.અને તે જ વખતે અરજદારે સબ રજિસ્ટ્રારને રૂ.5 હજારની લાંચની રકમ આપી દીધી હતી. બાદમાં બાકીની રૂ.5 હજારની લાંચની રકમની માંગણી કરતા અંતે આ મામલે અરજદારે તેમની વિરુદ્ધ મોરબી એસીબીમાં ફરિયાદ કરી હતી.આથી મોરબી એસીબીના અધિકારી એમ.બી.જાની સહિતની ટીમે આજે લાંચનું છટકું ગોઠવ્યું હતું.જેમાં વાંકાનેરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર અરજદાર પાસેથી રૂ.5 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયા હતા.એસીબીએ તેમની સામે લાંચનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text