મોરબીમાં તબીબો સહિતના 150 લોકોની ટીમના સ્વચ્છતા અભિયાનને મળતો પ્રચંડ પ્રતિસાદ

- text


 

શહેરને સ્વચ્છ બનાવના અભિયાનમાં સ્વંયભુ રીતે જોડાતા દરેક વર્ગના લોકો : ગ્રીનચોક આજુબાજુના વિસ્તરોમાં સઘન રીતે કરી સફાઈ: કાઉન્સીલરો અને પાલિકા તંત્રએ સુંદર સહયોગ આપ્યો

મોરબી : મોરબીમાં તબીબો સહિત 150થી વધુ લોકોની ટીમના સ્વચ્છતા અભિયાનને હવે દિન પ્રતિદિન પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે.આ સ્વચ્છતા અભિયાનમાં ખુદ કાઉન્સીલરો અને પાલિકા તંત્ર પોતાની નૈતિક જવાબદારી સમજીને ભારે સહયોગ આપી રહ્યા છે.જોકે છેલ્લા કેટલાક સમયથી દર રવિવારે આ સફાઈ અભિયાન હાથ ધરાઈ છે.એ મુજબ આજે રવિવારે ગ્રીનચોક આજુબાજુના તમામ વિસ્તારોમાં સઘન સફાઈ કરી હતી.જેમાં જોડાયલા લોકોએ જાતે પાવડા તગારા અને સાવરણા લઈને મંડી પડીને કલાકો સુધી શ્રમયજ્ઞ કરીને ગ્રીનચોક આજુબાજુના વિસ્તરોને ચોખા ચણાક કરી નાખ્યા હતા.

મોરબીને સ્વચ્છ બનાવવા માટે થોડા સમય અગાઉ તબીબો સહિતના જાગૃત નાગરિકોએ ઝાડું ઉઠાવ્યું હતું.તેમના નિષ્ઠાપૂર્વકના સ્વચ્છતા અભિયાનને ધીરેધીરે પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે.હાલ આ સ્વચ્છતા અભિયાનની ટીમમાં તબીબો ઉધોગપતિઓ,શિક્ષિત યુવાનો તથા બાળકો સહિત 150થી વધુ લોકો શહેરને સ્વચ્છ બનાવવા દર રવિવારે કોઈને કોઈ વિસ્તારમાં શ્રમયજ્ઞ હાથ ધરી રહ્યા છે.એક નરી વાસ્તવિકતા એ છે કે શહેરને સ્વચ્છ રાખવાની જેટલી જવાબદારી તંત્રની છે એના જેટલી જ જવાબદારી દરેક નાગરિકોની પણ બને છે.પણ લોકો પોતાના ઘર અને ઓફિસ કે દુકાન સહિતની પોતાની મિલકતને સ્વચ્છ રાખવા જેટલી મહેનત કરે છે એટલી મહેનત પોતાની શેરી કે વિસ્તારને સ્વચ્છ રાખવા મહેનત કરતા નથી.શુ આપણો નાગરિક ધર્મ એ છે કે આપણે ઘરમાંથી કચરો કાઢીને બહાર શેરીમાં કે અન્ય જગ્યાએ નાખીએને તંત્ર એ કચરો સાફ કર્યા જ કરે.આવી રીતે તો તંત્ર શહેરને સ્વચ્છ રાખવા ક્યારેય પહોંચી નહી વળે.માટે દરેક નાગરિક પોતાની શેરી ગલી કે વિસ્તારને સ્વચ્છ રાખવા જાગૃત બને તે માટે તબીબો સહિતના જાગૃત નાગરિકોએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે.

- text

સ્વચ્છતા અભિયાન એક નેક પ્રયાસોથી શરૂ થયેલું હોવાથી ખુદ નગરપાલિકા તંત્ર પણ સંવેદના દર્શાવીને જરૂરી તમામ સહયોગ આપી રહ્યું છે એ ઉપરાંત નગરસેવકો પણ જોડાઈ રહ્યા છે.ત્યારે દર રવિવારની જેમ આજે રવિવારે આ સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા શહેરના ગ્રીનચોક આજુબાજુના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં કાઉન્સીલર જયરાજસિંહ જાડેજા અને અનિલભાઈ મહેતા તથા પાલિકા તંત્રે ભારે સહયોગ આપ્યો હતો.જેમાં સ્વચ્છતા અભિયાનની ટીમના તમામ સભ્યોએ ગ્રીનચોક તથા અંદરના વિસ્તારો,મચ્છુ નદીના પટનો રસ્તો,સહિતના આજુબાજુના તમામ વિસ્તારમાં પાવડા ,તગારા અને સાવરણા લઈન કલાકો સુધી શ્રમયજ્ઞ હાથ ધરીને અનેક ટ્રેક્ટરો ભરાય તેટલી ગંદકીનો નિકાલ કરીને સ્વચ્છ બનાવી દીધા હતા.ત્યારે આ સ્વચ્છતા અભિયાન લોકોને સ્વંયભુ સફાઈ કરવા માટે પ્રેરી રહ્યું છે અને સ્વચ્છતા અભિયાનમાં જે રીતે લોકો ,તંત્ર અને કાઉન્સીલરો જોડાઈ રહ્યા છે.તે જોતા એમ લાગે છે કે હવે આવી રીતે સફાઈ માટે લોકો સ્વયં જાગૃત બનીને નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરશે તો શહેરની સિકલ જ બદલાઈ જશે,ત્યારે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે 9909988785 ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

- text