મોરબી : જનસેવા કેન્દ્રના ઓપરેટરોને ચાર માસથી પગારના ફાંફા, હડતાળની ચીમકી

- text


મોરબી : મોરબી જિલ્લાના વિવિધ સેવા કેન્દ્રોમાં ઓપરેટરની કામગીરી બજાવતા આશરે 245 જેટલા કર્મચારીઓને પાછલા ચાર-ચાર માસથી પગાર ન મળતા તેમજ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જાહેર થયેલા નિયમ કરતા ઓછો પગાર ચૂકવાતો હોવાના વિરોધમાં, જો પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો પહેલી એપ્રિલથી તમામ ઓપરેટરોએ હડતાલ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબી જિલ્લામાં વિવિધ જનસેવા કેન્દ્રોમાં 245 જેટલા ઓપરેટરો ખાનગી એજન્સી મારફત નિમણૂક પામીને કામગીરી કરે છે. આ કર્મચારીઓને પાછલા ચાર મહિનાથી પગાર ચુકવવામાં આવ્યો નથી. આ ઉપરાંત ન્યૂનતમ અધિનિયમ 1948ના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 26/12/2014ના જાહેરનામા મુજબ આ કર્મચારીઓનું દૈનિક વેતન 293 રૂપિયા ઠરાવાયું હોવા છતાં એજન્સી દરેક ઓપરેટરને માસિક 5000 રૂપિયાનું ઉચ્ચક વેતન જ ચૂકવે છે. જે વેતન પણ છેલ્લા ચાર માસથી મળ્યું ન હોવાથી અકળાયેલા ઓપરેટરોએ લાગતા વળગતા અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોમાં આવેદનપત્ર આપીને 31 માર્ચ પહેલા આ પ્રશ્નનો નિવેડો ન આવે તો 1 એપ્રિલથી તમામ ઓપરેટરોએ હડતાલ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી છે.

હાલ કાર્યરત એજન્સીને તા.1 ઓક્ટોબર 2018માં ઓપરેટરો પુરા પાડવાનો કોન્ટ્રાકટ મળ્યો છે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં માત્ર એક મહિનાનો જ પગાર ઓપરેટ કર્મચારીઓને મળ્યો છે. તમામ સેવા કેન્દ્રોમાં અરજદારોનો ખૂબ ઘસારો રહેતો હોવા છતાં અમુક તાલુકામાં ઓપરેટરોની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. જેના કારણે વધેલા કાર્યબોજને લઈને કર્મચારીઓ મોડી રાત સુધી સંનિષ્ઠ રીતે પોતાની કામગીરી બજાવે છે. આમ છતાં એજન્સી દ્વારા કામની કદર કરવાનું તો એક બાજુ રહ્યું ઉચ્ચક પગાર આપીને અને તે પણ સમયસર ન ચુકવીને ઓપરેટર કર્મચારીઓનું શોષણ કરતા હોય 245 જેટલા ઓપરેટરોએ આવતા મહિનાની પહેલી તારીખથી હડતાલ પર જવાનો નિર્ણય લીધો છે.

- text

ઉલ્લેખનીય છે કે જનસેવા કેન્દ્રોમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ભારે ઘસારો રહે છે. ભારે ભીડને કારણે ઓપરેટરો તેમજ અરજદારો વચ્ચે ઘણી વખત ઘર્ષણ પણ થતું હોય છે. ચૂંટણી નજીક છે ત્યારે સરકારને સેવા કેન્દ્રોની હળતાલથી પ્રજાની નારાજગીનો સામનો કરવો પડી શકે છે અને વિપક્ષોને ફોગટમાં એક વધુ મુદ્દો હાથવગો થઈ શકે છે. ત્યારે ઓપરેટરોની માંગણી સ્વીકારીને એજન્સીઓ ઉપર ક્યારે અને કેવા પગલાં ભરાય છે તે જોવું રહ્યું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

rike

 

- text