મોરબી : હોળી-ધૂળેટીની રંગ ભરી ઉજવણીની તૈયારીથી બજારનો રંગીન માહોલ

- text


રંગ-પિચકારી, ખજૂર-ઘાણીના વેંચાણમાં તડાકો

મોરબી : “હોલી કે દિન ખીલ ખીલ જાતે હે રંગો મેં રંગ મિલ જાતે હે… શોલે ફિલ્મનું આ ગીત અને હિન્દી તેમજ ગુજરાતી ફિલ્મોના હોલી ગીત ડી.જેના તાલે ગાઈ, વગાડી નાચતા નાચતા ઝૂમવાનો તહેવાર ધુળેટી ગુરુવારે ઉજવાશે. અનિષ્ટો ઉપર સત્યના વિજયની ઉજવણીના ભાગ રૂપે રંગે ચંગે ઉજવાતી હોળીની ઉજવણી દર વરસની માફક રંગે ચંગે ઉજવવા માટે મોરબી વાસીઓ થનગની રહ્યા છે. બુધવારે હોલિકા દહન તેમજ ગુરુવારે રંગોનો તહેવાર ધુળેટી ઉજવવામાં દર વરસ જેવો થનગનાટ રહી રહીને બજારમાં જોવા મળી રહ્યો છે. જોકે મોરબીના સીરામીક ઉધોગોને લાગેલું ગ્રહણ આ તહેવારને થોડો ઘણો ફિક્કો બનાવશે તેવું જણાઈ રહ્યું છે.

મોરબીની બજારોમાં રંગ અને પિચકારીની ઘરાકીમાં આ વર્ષે 20 ટકા જેવો ઘટાડો જોવાઈ રહ્યો છે. સરેરાશ 80 લાખના ટર્ન ઓવરની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે જે દર વર્ષની સરખામણીમાં 30 ટકા જેવો ઘટાડો સૂચવી જાય છે.
મોરબીમાં રંગ અને 6 જેટલા જથ્થાબંધ વેપારીઓ છે. જયારે આ વરસે 50 થી 60 જેટલા છૂટક માંડવા વાળા રંગ પિચકારીના ધંધાર્થીઓ છે. મટોડી એટલે કે ગેરુંના રંગ ઉપર આ વર્ષે કડક પ્રતિબંધ હોવાથી તેમજ મટોડી વેંચતા પકડાયેલા વેપારી ઉપર ભારે દંડ હોવાથી કોઈ પણ ધંધાર્થીએ મટોડી મંગાવી જ નથી. સાથો સાથ ટેલકમ પાઉડર માંથી બનતા ઓર્ગેનિક કલર પણ બજારમાં જોવા મળી રહ્યા છે. જેનાથી ચામડી, આંખો કે વાળમાં નુકશાન થતું નથી. હેલ્થ માટે જાગૃક રંગ રસિયાઓ ખાસ આવા પ્રકારના રંગોથી ધુળેટી રમવાનો જ આગ્રહ રાખતા થયા છે. સાથો સાથ કેસૂડાના ફુલને પાણીમાં પલાળીને કેશરી પાણીથી રંગે રમવા વાળાનો પણ એક અલગ વર્ગ છે.

આ વરસે મોરબીની બજારમાં સાઇઠેક જાતની બાળકોની લોકપ્રિય એવી અલગ અલગ પિચકારીઓની વિવિધ રેન્જ જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને મેંગો આકારની તેમજ બાર્બી, ગન, ગિટાર, મોટું પતલું, ડોરોમેન, વોડાફોન, સુપરમેન, બાહુબલી જેવા વિવિધ આકારની ત્રણ ઇંચ થી માંડીને બે ફૂટ સુધીની લંબાઈ વાળી તેમજ પાંચ રૂપિયા થી લઈને બે હજાર રૂપિયા નંગના ભાવની પિચકારીઓ આવી છે. જેમાં મોટુ પતલુ તેમજ બાહુબલી આકારની પિચકારીનું સૌથી વધુ વેંચાણ છે.

- text

ખજૂર, ધાણા-ધાણી, પતાસાના હારડા તેમજ કોપરા બજારમાં થોડા ભાવ વધારાને કારણે સુસ્ત પડી હતી જેમાં છેલ્લી ઘડીએ ઘરાકી નીકળી છે.

આમ છતાં ધંધાર્થીઓના જણાવ્યા અનુસાર ગત વરસની સરખામણીએ 30 થી 40 ટકા ઓછો વેપાર થવાની પણ આશંકા છે. ધાણી 120 થી 160 રૂપિયાની કિલો, ખજૂર 80 થી 300 રૂપિયા, પતાસાના હારડા 100 રૂપિયા, જીણી ધાણી 160 થી 240 રૂપિયા અને કોપરાનો ભાવ 260 રૂપિયા પ્રતિ કિલો લેખે વેંચાઈ રહ્યા છે.

ધુળેટીના દિવસે ઘણા યુવાનો વાહનો લઈને નીકળી પડે છે જે રાહગીરો ઉપર રંગ ઉડાડતા હોય છે. આવા રોમિયોગીરી કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરતા પ્રતિબંધિત જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામાનો અમલ કરાવતા સમયે પોલીસે ખરેખર ધૂળેટીનો નિર્દોષ આનંદ માણતા લોકોને ખોટી રીતે રોકીને પરેશાન કરવાને બદલે રોમિયોગીરી કરતા ઈસમો ઉપર જ કાર્યવાહી કરવી જોઈએ એવી લોક લાગણી પ્રવર્તી રહી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text