હળવદના ગોકુલેશ પેટ્રોલ પંપમાં વધુ એક ગ્રાહક છેતરપીંડીનો ભોગ બનતા હોબાળો

- text


પેટ્રોલ – ડીઝલ પુરાવતા ગ્રાહકો ચેતજા ! ૧૦૦૦ રૂ.ના ડીઝલ સામે ગોકુલેશ પંપે અડધો અડધ ડીઝલ ઓછું પધરાવતા ચકચાર

હળવદ : આજે પેટ્રોલ અને ડીઝલના મોંઘાદાટ ભાવથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પીસાઈ રહ્યા છે તેમાંય પડયા પર પાટું તેવો તાલ અહીં સર્જાયો છે ત્યારે હળવદના પેટ્રોલ પંપના સંચાલકો ઉઘાડી લુંટ કરી રહ્યા છે અને ગ્રાહકોને અડધાથી પણ ઓછું પેટ્રોલ પધરાવી ધોળા દિવસે ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે. જેમાં હળવદ – માળિયા હાઈવે પર આવેલ ગોકુલેશ પેટ્રોલ પંપમાં આવી જ એક છેતરપીંડીનો કિસ્સો સામે આવતા ગ્રાહકને ફરી રૂ.એક હજારનો ડીઝલ પુરાવી આપવા આજીજી કરતા ગોકુલેશ પેટ્રોલ પંપની ઉઘાડી લૂંટની પોલ છતી થઈ હતી.

આ ચોંકાવનારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે રાણેકપર ગામના ગિગાભાઈ નાનજી ગોલતરએ ગાડી નં. જી.જે.-૧૮-એઝેડ-૧૩૯૦ લઈને હળવદ – માળિયા હાઈવે પર આવેલ ગોકુલેશ પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવા ગયા હતા ત્યાં રૂ. ૧૦૦૦નો ડીઝલ પુરાવ્યા બાદ ભલગામડા પહોંચતા તેમની બોલેરો પિકઅપમાં ડીઝલ ખુટી જવાના કારણે બંધ પડી ગઈ હતી ત્યાર બાદ ગિગાભાઈ પેટ્રોલ પંપના સંચાલકને મૌખિક રજુઆત કરતા ત્યાં હાજર કર્મચારીઓએ ભોગ બનેલ ગ્રાહકને ફરીથી રૂ.૧૦૦૦નું ડિઝલ પુરી આપવાની વાત કરતા ગોકુલેશ પંપના કર્મીઓની પોલ છતી થઈ હતી. અને ભોગ બનેલ ગ્રાહકે આ મામલે હળવદ મામતલદાર અને પોલીસ મથકે લેખિત રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧પ/૧૦/ર૦૧૮ના રોજ આજ ગોકુલેશ પેટ્રોલ પંપમાં ૧૦૦ રૂ.નો અડધો લીટર પેટ્રોલ આપતા ભોપાળું છતું થયું હતું અને તે સમયે અને આજે પણ આ મામલો થાળે પાળવા સંચાલકે ભારે કાકલુદી કરી હતી. ઉપરાંત ઉઘાડી લુંટ ચલાવતા ગોકુલેશ પંપના કર્મચારીઓ અને સંચાલકે ગ્રાહક સામે લાજવાના બદલે ગાજી તારાથી જે થાય તેમ કરી લેજેની બફાટો મારી હતી. તો બીજી તરફ ઓછા – વતા પ્રમાણમાં પેટ્રોલ કે ડીઝલ પધરાવતા આવા પેટ્રોલ પંપ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે અને નીંભર પુરવઠા તંત્ર અને તોલમાપ વિભાગ પણ ગ્રાહકોને લુંટવા માટેનો સંચાલકોને ખુલ્લો દોર આપી રહ્યા હોવાનું પણ ગણગણાટ લોકોમાં શરૂ થયો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text