મોરબીના નહેરૂગેઈટ વિસ્તારમાં ગટર સમસ્યાનું ગ્રહણ

- text


નહેરૂગેઈટ પાસેની ગટર સમસ્યા ન ઉકેલાય તો ચીફ ઓફિસરની ચેમ્બરમાં ગંદા પાણી ઠાલવવાની ચીમકી

સમગ્ર મોરબી શહેરની આન બાન શાન ગણાતા નહેરૂગેઈટ ચોકની પ્રતિષ્ઠા ખરડાઈ તેવી સ્થિતિ સર્જાય છે. પાલિકા તંત્રના પાપે નહેરૂગેઈટ ચોકમાં વારંવાર ગટરની ગંદકી ઓવરફ્લો થયા કરે છે. ભરચક્ક વિસ્તારમાં ગટરની ગંદકીથી રોગચાળો ફાટી નિળવાની દહેશત હોવા છતા તંત્ર તાબોટા પાડ્યે રાખતા બે સામાજિક કાર્યકરોએ સોમવારે પાલિકા કચેરીમાં ઢોલ નગારા સાથે જઈને ચીફ ઓફિસરની ચેમ્બરમાં ગંદા પાણી ઠાલવવાની ચીમકી આપી છે.

- text

ફાઈલ તસ્વીર

મોરબીના બે સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે અને જીજ્ઞેશભાઈ પંડયાએ ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી કે મોરબીની આન બાન શાન ગણાતા નહેરૂગેઈટના વિસ્તારમાં પાલિકા તંત્રની ઢીલી નીતિને કારણે ગટરની સમસ્યાએ માજા મૂકી છે. અને આસપાસમાં ગટરના ગંદા પાણીના ખાબોચિયા ભરાયા છે. તેમજ ગટરની ગંદકી દુકાનો પાસે જાહેર રોડમાં વહેતી હોવાથી વેપારીઓને વેપાર ધંધા કરવામાં મુશ્કેલી પડે છે. જોકે દરરોજ મોરબી પંથકમાંથી સેકડો લોકો કોઈને કોઈ કામ અર્થે નહેરૂગેઈટે આવતા હોય છે. ત્યારે આ ગટરની સમસ્યાને કારણે હજરો લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડે છે. જયારે નહેરૂગેઈટ ઐતિહાસીક સ્મારક સ્થળ હોવાથી દેશ-વિદેશના પયર્ટકો મુલાકાતે આવતા હોય છે. પરંતુ સોનાની થાળીમાં લોઢાના મેખ સમાન આ ગટર સમસ્યાથી દેશ-વિદેશમાં નહેરૂગેઇટની પ્રતિષ્ઠા ખરડાઈ શકે એમ છે. લાંબા સમયથી નહેરૂગેટ વિસ્તારમાં ગટરના પાણી ફરી વળતા હોવાની સમસ્યા હોય છતાં તંત્ર કોઈ મચક આપતુ નથી. ત્યારે આ ગટરની સમસ્યાનો ટૂંક સમયમાં યોગ્ય ઉકેલ ન આવે તો સોમવારે ઢોલ નગારા સાથે પાલિકા કચેરીમાં જઈ ચીફ ઓફિસરની ચેમ્બરમાં ગટરના ગંદા પાણી ઠાલવવાની ચીમકી આપી છે.

- text