મોરબીમાં હેન્ડસ ફ્રીમાં ગીત સાંભળવાની મજા લેતા યુવાનને મોત મળ્યું

- text


પીપળીયા ચાર રસ્તા નજીકની ઘટના હેન્ડસ ફ્રીમાં મશગુલ યુવાનને ટ્રેન આવવા છતાં ખબર ન પડી : ટ્રેનની થપાટથી સિમેન્ટની આડસ સાથે અથડાતા મોત

મોરબી : મોરબીમાં મોબાઈલ ફોનમાં હેન્ડસ ફ્રી લગાવી ગીત સાંભળવામાં મશગુલ બનેલો યુવાન રેલવે ટ્રેક ઉપર ચાલવા લાગ્યા બાદ અચાનક જ ટ્રેન આવવા છતાં ખબર ન રહેતા ટ્રેનની હડફેટે ચડી ગયો હતો અને ટ્રેનની તીવ્ર થપાટ બાદ ફંગોળાયેલ આ યુવાન સિમેન્ટની આડસ સાથે અથડાતા કમકમાટી ભર્યું મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે, જો કે આ ગંભીર બનાવ બાદ કલાકો સુધી મોરબી અને માળીયા પોલીસે હદના પ્રશ્ને હદ વટાવતા અંતે પાંચેક કલાક બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે અગિયારેક વાગ્યાના સુમારે પીપળીયા ચાર રસ્તા નજીક રેલવે ટ્રેક નજીક ચાલીને જઈ રહેલ જીંજુડા ગામનો કાદરભાઈ
હુસેનભાઇ નડે ઉ.25 નામનો યુવાન મોબાઈલમાં હેન્ડસ ફ્રી લગાવી ગીતો સાંભળવામાં એટલો મશગુલ બન્યો હતો કે બાજુમાં ટ્રેન આવવા છતાં પણ ખબર ના રહેતા ધસમસતી આવેલી ટ્રેન હડફેટે ચડી જતા યુવાન દૂર ફંગોળાઈ ગયો હતો.

- text

વધુમાં ટ્રેનની ઠોકરે ચડેલો આ યુવાન રેલવે ટ્રેકની બાજુમાં રાખવામાં આવેલી તોતિંગ સીમેંન્ટની આડસ સાથે જોરદાર અથડાતા કાદરભાઈ નડેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. બીજી તરફ આ ગંભીર અકસ્માત મામલે હદના પ્રશ્નને લઇ મોરબી તાલુકા પોલીસ અને માળીયા પોલીસ વચ્ચે ગજગ્રાહ સર્જાયા બાદ અંતે ચારથી પાંચ કલાક બાદ મોરબી તાલુકામાં બનાવ અંગે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

- text