મોરબીના બગથળા ગામે પ્રતીક ઉપવાસ બાદ સભામાં હાર્દિકે શું કહ્યું, જાણો

- text


ગાંધી ચીંધ્યા રાહે ચાલવામાં બહુ તાકાત છે : મોરબીના બગથળા બાદ રાજ્યના ૨૦૦ તાલુકામાં પ્રતિક ઉપવાસ કરવાની હાર્દિકની જાહેરાત : દિવાળી પછી મોરબીની આસપાસ 3 લાખ ખેડૂતોનું વિરાટ સંમેલન બોલાવાશે : હાર્દિક પટેલ

મોરબી : પાટીદારોને અનામત, ખેડૂતોના દેવા માફી, અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ અને મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આજે બગથળા ગામે એક દિવસના પ્રતિક ઉપવાસ કરનાર પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ અગાઉ ભગતસિંહના માર્ગે ચાલી આંદોલન કરવાની પોતાની રણનીતિને ત્યાગી હવે ગાંધી ચીંધ્યા રાહે આંદોલન કરવાની જાહેરાત કરી આગામી દિવસોમાં રાજ્યના ૨૦૦ તાલુકામાં ઉપવાસ કરવાનું મંચ ઉપરથી જાહેર કર્યું હતું સાથે સાથે દિવાળી બાદ મોરબી આસપાસ ત્રણ લાખ ખેડૂતોનું વિરાટ સંમેલન યોજવાનું પણ જાહેર કર્યું હતું.

પટીદારોને અનામત, ખેડૂતોના દેવા માફી, અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ અને મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ચાર મુખ્ય માંગ સાથે પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ દ્વારા મોરબી તાલુકાના બગથળા ગામે પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું, આ તકે, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા, ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસપી સ્વામી અને રાજ્યભરના પાસ કન્વીનરો તથા મોટી સંખ્યામાં પાટીદાર ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને હાર્દિકના પ્રતીક ઉપવાસને ટેકો આપ્યો હતો.

પ્રતિક ઉપવાસ આંદોલન પૂર્વે હાર્દિક ગઈકાલે સાંજે મોરબી આવી ગયો હતો અને નવાગામ ખાતે રાત્રી રોકાણ કરી ખેડૂતો સાથે રાત્રે ચોક પે ચર્ચા કરી હતી. દરમિયાન આજે બગથળા ઉપવાસ સ્થળે વાવડીથી રેલી સ્વરૂપે પોહચી ઉપવાસ આંદોલનમાં જોડાયો હતો. આ તકે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા અને અન્ય પાસ આગેવાનોએ સરકારની નીતિ પર આકરા પ્રહારો કાર્ય હતા. અને દિવસ ભર વિવિધ વક્તોએ પોતાના પ્રવચનમાં ભાજપ સરકારને આડેહાથે લીધીં હતી. જયારે સાંજે પાંચ વાગ્યે પ્રતિક ઉપવાસ પૂર્ણ કરી હાર્દિકે પોતાનું તેજાબી વક્તવ્ય શરૂ કરી રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરી ધારાસભ્ય, મુખ્યમંત્રી કે ચૂંટાયેલા અન્ય નેતા ખરાબ નથી પણ આપણે એમને પસંદ કરી મોકલ્યા એટલે આપણે ખરાબ એવી માર્મિક ટકોર કરી હતી.

- text

વધુમાં હાર્દિક પટેલે મોરબી જિલ્લાનો વિકાસ થયો ન હોવાના પુરાવા આપતા જણાવ્યું હતું કે ધૂળિયા રસ્તા અને આઝાદીના આટલા વર્ષ બાદ પણ આખા નવાગામ પાસે સનદ ન હોવાનું જણાવી આ કેવો વિકાસ તેવો સવાલ ઉઠાવી મોંઘવારી અને ખેડૂતોની સમસ્યા પર ચાબખા મારી કહ્યું કે ગેસના બાટલાના ભાવ ૩૫૦ થી ૮૪૦ થયા પરંતુ કપાસના ભાવ ૮૦૦ થી ૧૫૦૦ નથી થયા.

ગુજરાતમાં સાત દિવસમાં પાંચ ખેડૂતો એ આત્મહત્યા કરી હોવાનું જણાવી ખેડૂતોની લાચાર પરિસ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું કે ચાર વર્ષ પહેલા ડીએપી ખાતરનો ભાવ ૭૫૦ હતો આજે ૧૪૦૦ પર પહોંચ્યો છે. હું દાવો કરું છું આ સરકાર ડીએપીના ભાવ ૨૭૦૦ સુધી પહોંચાડશે

આ ઉપરાંત ખેડૂતના આકસ્મિક મૃત્યુ પર અગાઉ આનંદીબેનની સરકાર ચાર લાખ આપતી હતી જે વર્તમાન સરકારે બે લાખ રૂપિયાના સહાય કરી નાખી હોવાનું જણાવી કહ્યું કે સરકાર ખેડૂતના દેવા માફ નથી કરતી, સરકારનું સ્પષ્ટ માનવું છે કે સહાય જોઈતી હશે તો ખેડૂતે મરવું પડશે. હાર્દિકે પોતાના પ્રવચનમાં આટલી મુશ્કેલી હોવા છતાં લોકોનું મૌન તેને અકળાવતું હોવાનું જણાવી લોકોને જાગૃત થવાની હાકલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે,હાર્દિકના પ્રવચનમાં સિંચાઈ માટેના પાણીનો મુદ્દો પણ છવાયો હતો અને જો મોરબીની કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો કેનાલ પર પગપાળા ચાલી આંદોલન કરવાની પણ હાર્દિકે જાહેરાત કરી સીરામીક ઉદ્યોગમાં આટલું પાણી ક્યાંથી આવે છે તેવા સવાલ ઉઠાવ્યા હતા.

અંતમાં હાર્દિક પટેલ પોતાનું આ આંદોલન મજબૂત બનાવવા આગામી દિવસોમાં રાજ્યના ૨૦૦ તાલુકામાં પ્રતિક ઉપાવાસ કરી દિવાળી બાદ મોરબી અથવા તો ટંકારામાં વિરાટ ખેડૂત સંમેલન યોજવાની જાહેરાત કરી હતી.

બગથળા ગામે હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં દિવસભર જોરદાર માહોલ રહ્યો હતો અને ૫ પીએસઆઇ સહિત ૧૦૦ થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો, કે શાંતિપૂર્ણ રીતે પ્રતિક ઉપવાસ પૂર્ણ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

- text