માળીયા પાલિકાનું સિંહાસન જાળવી રાખતી કોંગ્રેસ

- text


પ્રમુખ પદે જેનાબેન સંઘવાણી અને ઉપપ્રમુખ પદે રહીમભાઈ જામની વરણી

માળીયા : કોંગ્રેસ બહુમતી વાળી માળિયા મિયાણા નગર પાલિકામાં આજે યોજાયેલ પ્રમુખ ઉપ પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં કોંગ્રેસે શાસન જાળવી રાખ્યું હતું તો સામે પક્ષે પાલિકાનું શાસન કબ્જે કરવા સભ્યોને તોડવામાં ભાજપ નિષ્ફળ નિવડતા સતા કબ્જે કરવાના ભાજપના મનસૂબા ઉપર પાણી ફરી વળ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા નગર પાલિકામાં હાલમાં કોંગ્રેસની બહુમતી છે કોંગ્રેસ પાસે ૧૩ અને ભાજપ પાસે ૧૧ સભ્યોનું સંખ્યાબળ હોવાથી આગામી તા. ૧૮ ના રોજ પ્રમુખ – ઉપપ્રમુખની ટર્મ પુરી થઈ રહી હોય ભાજપ દ્વારા સતા કબ્જે કરવા રાજકીય કાવાદાવા રચવામાં આવ્યા હતા.

- text

દરમિયાન આજે પ્રાંત અધિકારી શિવરાજભાઈ ખાચરના અધ્યક્ષ સ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદે કોંગ્રેસના જેનાબેન હારુનભાઈ સંઘવાણી વિજેતા બન્યા હતા જયારે ઉપ પ્રમુખ પદે રહીમભાઈ રાજાભાઈ જામ વિજેતા બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે પાલિકાના હોદ્દેદારોની ચૂંટણીને પગલે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા ખાસ હાજર રહ્યા હતા. આજની ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રમુખ માટે હસીનાબેન જેડા અને ઉપ પ્રમુખ પદ માટે મહમદ આમીનભાઈ ભટ્ટીને ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવ્યા હતા પરંતુ કોંગ્રેસના સભ્યોએ વફાદારી પૂર્વક મતદાન કરતા બહુમતી સાથે કોંગ્રેસના પ્રમુખ, ઉપ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા.

- text