મોરબીમાં મચ્છુ-૨ ડેમ પાસે પુલ પર બે વર્ષ પૂર્વે બનેલા રોડની હાલત અતિ બિસ્માર

- text


રોડનું કામ અધૂરૂ મુકાયું હતું : પુલની રેલિંગ તૂટી જતા વાહનચાલકો પર અકસ્માતનો ભય

મોરબી : મોરબીમાં મચ્છુ-૨ ડેમ પાસેના પુલના રોડની હાલત બે વર્ષમાં જ અત્યંત ખરાબ થઈ જવા પામી છે. શરૂઆતથી જ વિવાદથી ઘેરાયેલા આ રોડના કામને અધૂરું છોડી મુકવામાં આવતા આજે રોડની હાલત બિસ્માર થઈ ગઈ છે. સાથે પુલની રેલિંગ પણ તૂટી જતા વાહનચાલકો પર અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે.

મોરબીના મચ્છુ-૨ ડેમ પાસેના પુલનો રોડ આશરે બે વર્ષ પહેલાં નવો બનાવવામાં આવ્યો હતો. પરંતુ રોડ પર જાણે હલકી કક્ષાની સામગ્રીનો વપરાશ થયો હોય તેમ થોડા સમયમાં આ રોડની ખરાબ દુર્દશા થઈ ગઈ છે. રોડ બન્યાના ૬ માસમાં જ ગાબડા પડ્યા હતા. અને ધીમે ધીમે રોડની હાલત અત્યંત ખરાબ થઈ જવા પામી છે.

- text

રોડ કામમાં શરૂઆતમાં વેઠ ઉતારવામાં આવી હતી. ઉપરાંત આ રોડનું કામ અધૂરું પણ છોડી દેવામાં આવ્યું હતું. ત્યારે સ્થાનિકોએ તંત્રનો કાન આમળ્યો હતો. અને અનેક રજૂઆતો કરવમાં આવી હતી. પરંતુ તંત્રએ આ રજુઆતોનો ડૂચો વાળી દીધો હતો.

રોડના નબળા કામથી શરૂઆતથી વાહન ચાલકોને પરેશાની વેઠવી પડી રહી છે. હવે રોડની હાલત વધુ કથળતા વાહનચાલકોની મુશ્કેલી બેવડાઈ રહી છે. અધૂરામાં પૂરું પુલની રેલિંગ જ તૂટી ગઈ છે. રાત્રે અંધારપટ હોવાથી આ જગ્યાએ અકસ્માત થાય તેવી ભીતી સેવાઇ રહી છે. ત્યારે જવાબદાર તંત્ર લોકોની માંગણીને ધ્યાને લઈને પુલના રોડની યોગ્ય કામગીરી કરાવે તે જરૂરી છે.

- text