હળવદ : ખરીદ-વેંચાણ સંઘની મળેલી બેઠકમાં ખેડૂતોના હિતમાં લેવાયો નિર્ણય

- text


યુરિયા અને ડીએપીના ખાતરમાં રૂ.પાંચથી આઠનો ઘટાડો કરાતા ખેડૂતોને ફાયદો થશે : સંઘ પ્રમુખ

હળવદ : સમગ્ર ગુજરાતની દ્દષ્ટીએ હળવદ તાલુકામાં ખેડૂતોને ખાતરના ભાવમાં અન્ય ખરીદ-વેંચાણ સંઘ કરતા હળવદ ખરીદ – વેંચાણ સંઘ દ્વારા ખેડૂતોને આપવામાં આવતા ખાતરમાં બોરી દીઠ રૂ.પાંચ અને રૂ.આઠનો ઘટાડો કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાયો છે. ત્યારે હળવદ ખરીદ-વેંચાણની કમિટીની બેઠકમાં જુદાજુદા ખાતરમાં રૂ.પાંચથી આઠનો ઘટાડો કરાતા ખેડૂતોને અંદાજે રૂ.૮ લાખનો ફાયદો થશે.

તાજેતરમાં જ હળવદ ખરીદ-વેંચાણ સંઘની કારોબારીની બેઠક મળી હતી. જેમાં ખેડૂતોની માંગને ધ્યાને લઈ રાજયના અન્ય ખરીદ-વેંચાણ સંઘ કરતા હળવદ ખરીદ-વેંચાણ સંઘ દ્વારા ખેડૂતોને આપવામાં આવતા તમામ કંપનીના ડીએપી જેવા કે, સરદાર ડીએપી, બિરલા ડીએપી, ઈફકો ડીએપી, ક્રુભકો ડીએપી આ ચારેય કંપનીના ડીએપીમાં એક બોરી દીઠ રૂ.૮નો ઘટાડો કરવામાં આવ્યો છે. જયારે સરદાર અને ઈફકો ખાતર (૧ર.૩ર.૧૬)ના ખાતરમાં પણ રૂ.૮નો ઘટાડો કરવામાં આવ્યો છે. જયારે તમામ કંપનીના યુરિયા ખાતરની બોરીના ભાવમાં રૂ.પાંચનો ઘટાડો કરાયો છે.

- text

અત્રે ઉલ્લેખનીય છેકે, હળવદ ખરીદ-વેંચાણ સંઘમાં દર વર્ષે પાંચ હજાર ટનની આસપાસ ખાતરનું વેંચાણ થતું હોય છે. ત્યારે ડીએપીમાં રૂ.૮ અને યુરિયા ખાતરમાં રૂ.પાંચનો ઘટાડો કરાતા અંદાજે ખેડૂતોને વર્ષે રૂ.૮ લાખ જેટલો ફાયદો થશે તેવું ખરીદ-વેંચાણ સંઘના પ્રમુખ શૈલેષભાઈ રૂપાલાએ જણાવ્યું હતું.

- text