ખાનગીશાળાઓને હંફાવવા મોરબીની સરકારી શાળાઓ સજ્જ : ગુણોત્સવ બાદ એ ગ્રેડની શાળાઓની સંખ્યામાં વધારો

- text


સમગ્ર જિલ્લાની તમામ શાળાઓમાં શિક્ષકોના પ્રયાસને પગલે શિક્ષણસ્તર સુધર્યું

મોરબી : સમગ્ર રાજ્યમાં સરકારી શાળાઓનું શિક્ષણ સતત કથળી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાની સરકારી શાળાઓના શિક્ષકોની શિક્ષણપ્રત્યેની અપાર લાગણી અને મહેનતના કારણે મોરબી જિલ્લાનું શિક્ષણસ્તર સુધર્યું છે, ગત વર્ષના ગુણોત્સવની તુલનાએ ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં એ પ્લસ અને એ ગ્રેડની શાળાઓમાં બમણો વધારો થયો છે અને પરિણામ સ્વરૂપ નાગરિકો ખાનગીશાળામાંથી પોતાના બાળકોને ઉઠાડી સરકારી શાળામાં ભણાવતા થયા છે.

રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષણસ્તર સુધારવા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ ગુણોત્સવના સારા પરિણામો મળવા શરૂ થયા છે જેમાં મોરબી જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધરવાની સાથે સરકારી શાળાના શિક્ષકો ખાનગી શાળાઓને હંફાવવામાં સફળ રહ્યા હોવાનું સરકારી આંકડા પરથી સ્પષ્ટ બની રહ્યું છે.

ગુણોત્સવના પરિણામ જોવામાં આવેતો વર્ષ ૨૦૧૭ ની તુલનાએ મોરબીની ૬૦૦ પૈકી ૬ શાળાઓ ૨૦૧૭માં એ પ્લસ ગ્રેડમાં હતી જેમાં નોંધપાત્ર સુધારા સાથે વર્ષ ૨૦૧૮ માં મોરબી જિલ્લાની ૩૨ શાળાઓએ એ પ્લસ ગ્રેડ મેળવ્યો છે જેમાં મોરબી શહેરની ૧૪, માળિયાની ૭, ટંકારા અને વાંકાનેરની ત્રણ ત્રણ અને હળવદની પાંચ શાળાઓનો સમાવેશ થયો છે.

મોરબી જિલ્લામાં ગુણોત્સવ બાદ એ ગ્રેડની શાળાઓની તુલના કરવામાં આવે તો વર્ષ ૨૦૧૭ માં ફક્ત ૨૭૬ શાળાઓ જ એ ગ્રેડની હતી જેમાં વર્ષ ૨૦૧૮ માં બમણા વધારા રૂપે જિલ્લાની ૪૩૯ શાળાઓ એ ગ્રેડમાં રૂપાંતરિત થઈ છે, સાથે સાથે મોરબી જિલ્લામાં ૨૦૧૮ ના ગુણોત્સવ મૂલ્યાંકન બાદ બી અને સી ગ્રેડની શાળાઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને એકપણ શાળા ડી, ઇ કે એફ ગ્રેડમાં આવી નથી.

મોરબી જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષણસ્તર સુધરે તે માટે શાળા, ક્લસ્ટર, બ્લોક, અને જિલ્લાકક્ષાએ સતત મોનીટરીંગ કરી શાળામાં શિક્ષકોનું મહેકમ વધારવાથી લઈ ભૌતિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.

આ ઉપરાંત મોરબી જિલ્લામાં સરકારી શાળાઓનું શિક્ષણસ્તર સુધારવામાં શિક્ષકોની ફરજનિષ્ઠાને પણ એટલી જ જવાબદાર માનવામાં આવે છે અને એથી જ સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ મેળવવામાં મોરબી જિલ્લાના કર્તવ્યનિષ્ઠ શિક્ષકો છવાયા છે.

- text

નોંધનીય છે કે રાજ્યભરમાં શિક્ષણના નમે વેપાર કરવા બેઠેલી ખાનગીશાળાઓની બોલબાલા છે ત્યારે મોરબી જિલ્લામાં જવાબદાર સરકારી શાળાઓના ફરજનિષ્ઠ શિક્ષકોને કારણે ઉલટી ગંગા રૂપે ચાલુ વર્ષે હજારો બાળકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં અભ્યાસ કરતા થયા છે.


ટંકારા તાલુકાનું ગુણોત્સવમાં ખૂબ સારું પરિણામ

ટંકારા : ગત એપ્રિલ માસમાં સમગ્ર રાજ્યમાં યોજાયેલ ગુણોત્સવ 8 નું પરિણામ બે દિવસ પહેલા જાહેર થયું , જેમાં સમગ્ર ટંકારા તાલુકાનું ખૂબ સારું પરિણામ આવ્યુ છે. તાલુકાની 60 સરકારી પ્રાથમિક શાળા તેમજ 1 ગ્રાન્ટેડ શાળા મળીને કુલ 61 પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ 8 અંતર્ગત તમામ બાળકોનું વાંચન લેખન અને ગણનનું મૂલ્યાંકન થયું હતું. જેનાં પરિણામ સ્વરૂપે તાલુકાની 3 શાળા રામનગર પ્રા. શાળા, હરિપર (ભૂ) પ્રા. શાળા અને લખધીરગઢ પ્રા શાળાએ A+ ગ્રેડ મેળવ્યો છે, તેમજ તાલુકાની કુલ 48 શાળાઓને A ગ્રેડ પ્રાપ્ત થયો છે જ્યારે 10 શાળાઓ B ગ્રેડમાં છે. કોઈ શાળા C કે D ગ્રેડમાં નથી.
ગુણોત્સવ 7 માં માત્ર 1 શાળા A+ ગ્રેડમાં હતી, તેમજ 29 શાળા A ગ્રેડ, 31 શાળા B ગ્રેડ અને 1 શાળા C ગ્રેડમાં આવી હતી ત્યારે તેની સરખામણીએ ગુણોત્સવ 8 મા ઘણું સુધારાત્મક પરિણામ આવ્યું છે તેનો સમગ્ર યશ ટંકારા તાલુકાના તમામ શિક્ષક પરિવાર અને સમગ્ર શિક્ષણ ટીમને જાય છે તેવું તાલુકાના બી.આર.સી.કો ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફરે જણાવ્યું હતું અને સમગ્ર શિક્ષક પરિવારને અભિનંદન આપ્યા હતા.
આ ઉપરાંત જે બાળકોના વાંચન લેખન અને ગણન મા કચાશ રહી ગયેલ છે તેવા બાળકો માટે રાજ્ય સરકારના “મિશન વિદ્યા” અંતર્ગત ઉપચારાત્મક કાર્યક્રમ યોજી તમામ બાળકોની વાંચન લેખન ગણનની કચાશ દૂર કરવામાં આવશે અને ગુણોત્સવ 9 મા તાલુકાની તમામ શાળાઓ A+ કે A ગ્રેડ મેળવે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેમ પણ બી.આર.સી.કો ઓર્ડિ. કલ્પેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 

- text