ફિલ્મ રિવ્યુ : ઇન્ક્રેડિબલ્સ 2 (હિન્દી ડબિંગ) : બહોત દેર સે આયે મગર દિલ સે આયે!

- text


સમગ્ર વિશ્વમાં પોતાની કાર્ટૂન એનિમેશન મુવી માટે જાણીતું ડિઝની લઈને આવ્યું છે, એનિમેટેડ મૂવી ઇન્ક્રેડિબલ્સ 2. 2004 પછી છેક 14 વર્ષે ‘ઇન્ક્રેડિબલ્સ’ની સિક્વલ આવી છે. યોગ્ય સ્ટોરી ન મળે, ત્યાં સુધી આટલી ધીરજ બોલિવુડે શીખવી જોઈએ! 2004માં જેમણે આ કાર્ટૂન મૂવી બાળક તરીકે જોયું હશે, એ અત્યારે યુવાન થઈ ગયા હશે! ડિઝની pixarની દરેક મૂવી આબાલવૃદ્ધ સૌને અપીલિંગ તો હોય જ છે, આ ઇન્ક્રેડિબલ્સ ખરેખર ઇન્ક્રેડિબલ(અતુલ્ય) છે? આવો, જોઈએ….

ફિલ્મની શરૂઆત થાય છે, ઇન્ક્રેડિબલ ફેમીલીના રેસ્ક્યુ ઓપરેશનથી. પ્રિક્વલના અંતમાં આવતો અંડરમાઈનર એક મહાચોર છે, એનાથી શહેરને બચાવવા ઇન્ક્રેડિબલ્સ કમર કસે છે. ચોરને બેન્ક લૂંટતા પકડી પણ પાડે છે, પણ તેઓને મળે છે જશને બદલે જૂતાં…. આ સુપરહીરો ફેમીલી કેટલીક અદ્ભૂત શક્તિઓ ધરાવે છે પરંતુ એ શક્તિઓ વાપરવા કોર્ટ મનાઈહુકમ ફરમાવે છે. પોતાની મૂળ ઓળખ સાથે જ જીવવા આદેશ કરે છે. પરિણામે તેઓને અન્ડરગ્રાઉન્ડ થવું પડે છે. અહીંથી સિક્વલની શરૂઆત થાય છે. સ્વમાન પાછું મેળવવું કે સુપરહીરોની આઇડેન્ટિટી ભૂલીને નોર્મલ લાઈફ જીવવી? આસપાસમાં થતાં ખોટાં અને ગેરકાનૂની કામો સામે એકલે હાથે લડતું આ ફેમીલી પોતાના સહિત વિશ્વ આખાના આવા સુપરહીરોસને કાનૂની માન્યતા આપવા માટેનું પોતાનું અભિયાન આદરે છે.
આ ફેમીલીમાં છે, મિ.ઇન્ક્રેડિબલ બોબ પાર્ર, ધ હીમેન. હેલન પાર્ર, ઈલાસ્ટી ગર્લ, ધ સુપરવુમન. એમનાં ત્રણ સંતાનો, વાયોલેટ, ડેશ અને જેકજેક. આ પરિવારનો દરેક સભ્ય કૈંક વિશેષતા ધરાવે છે. સૌથી નાનો જેકજેક હજુ તો ઘોડિયામાં સુતું નાનું બચોલીયું છે પણ તેની વિશેષ શક્તિઓ ધીમેધીમે ખીલતી જાય છે. ઇન્ક્રેડિબલ્સને તેઓના અભિયાનમાં મદદ કરે છે, સુપરહીરોનો ફેન વિન્સ્ટન. તે ખૂબ જ ધનિક છે. સુપરહીરોની છાપ સુધારવા તે વિવિધ યોજના ઘડે છે. ઈલાસ્ટી ગર્લની તે માટે સૌથી પહેલી પસંદગી થાય છે, કારણ કે તે કોઈપણ લડાઈ દરમિયાન પબ્લિક પ્રોપર્ટીને ખૂબ જ ઓછું નુકસાન કરે છે! નવી બુલેટટ્રેનને બચાવવા તે સફળ થાય છે, પણ ‘કહાનીમેં ટ્વિસ્ટ’, નવા જમાનાનો વિલન ‘સ્ક્રિન સ્લેવર’ સ્ટોરીમાં આવે છે…. ને પછી….
(ફિલ્મ જોઈ લેવી,હોં)હિન્દી ડબિંગ થયેલી આ કાર્ટૂન મુવીમાં ઈલાસ્ટી ગર્લના કેરેક્ટરને અવાજ આપ્યો છે, બોલિવૂડ અભિનેત્રી કાજોલએ. ઇન્ક્રેડિબલ્સ(2004)નું હિન્દી વર્ઝન ‘હમ હૈ લાજવાબ’ હતું, જેમાં મિ.ઇન્ક્રેડિબલનો અવાજ આપ્યો હતો, કિંગખાન શાહરૂખે જ્યારે ઇન્ક્રેડિબલ્સ 2(2018)માં દીપક તિજોરીએ હિન્દી ડબિંગ કર્યું છે. મોટાભાગના ડબિંગમાં થાય છે, એવું હાસ્યાસ્પદ ડબિંગ અહીં નથી. કેટલાંક ડાયલોગ્સ ખૂંચે છે, પણ ઓલઓવર ડબિંગ ઇસ ગુડ.

- text

ફિલ્મમાં પ્લોટ્સ-સબપ્લોટ્સનું મિક્સચર સરસ છે. સ્ત્રીસશક્તિકરણ માટે માતાને કમાતી બતાવી છે, અને પિતાને છોકરાં સંભાળતો… ખોરાકમાં ઘાસપુસ ન ખાતા સંતાનો, ટીનએજ સંતાનોને માતાપિતા પ્રત્યે થતી ફરિયાદો, પિતાના પરિવાર માટેના મનોમંથન, નાના બાળકના તોફાન, ટેકનોલોજીનું મનુષ્યજીવન પણ આક્રમણ વગેરે જેવા મુદ્દાઓ સ્પર્શ્યા છે. સ્ક્રિન સ્લેવર એક ડિજિટલ વિલન છે, એ કોઈપણ સ્ક્રિનથી આપણા પર હુમલો કરી શકે છે. આપણે પણ સ્ક્રિન સ્લેવર(ગુલામ) જ છીએને, સ્ક્રિન જે રીતે આપણને ગુલામ બનાવી રહી છે, એ અંગે વિચારવા પણ મજબૂર કરે એવી બાબત છે.ફિલ્મના કેટલાંક સીન્સ લાજવાબ છે, હોલીવુડ એક્શનમુવીઝને યાદ કરાવી દે તેવા સ્ટંટસ છે, તો ફિલ્મ ધારી અસર ઉપજાવી શકે એટલે તેમાં મ્યુઝિક પીસીઝનો કાબિલે દાદ ઉપયોગ થયો છે. કેટલાક સીન્સ કોમિક છે, સૌથી નાનું બાળક જેકજેક એ સમગ્ર ફિલ્મમાં શો સ્ટોપર સાબિત થાય છે. ફિલ્મ આબાલવૃદ્ધ સૌ માટેનું કંપલીટ પેકેજ છે. ફિલ્મના અંતમાં પણ ‘અસત્ય પર સત્યનો વિજય’ થાય છે. (આપણા હિન્દીમાં જ આવું થાય છે, એવું નથી હોં!)

જોવાય કે નહીં?
નાના બાળકો માટે તો, આ એનિમેટેડ કાર્ટૂન ફિલ્મ મસ્ટવોચ જ છે. ફેમીલી સાથે જોવી ગમે એવી આ ડિઝની મુવીમાં દરેક માટે કશુંક છે. જે લોકો પોસ્ટર કે ટ્રેલર જોઈને આને બાળફિલ્મ સમજી બેઠાં છે, એ લોકોએ તો ખાસ જોવી જોઈએ! અને હા, આ સિક્વલ હોવાં છતાં સ્વતંત્ર છે.

નાનું પણ નાગનું બચ્ચું જેકજેક અને તેની નિર્દોષતા ઇન્ક્રેડિબલ્સ 3માં જોવા માટે 14 વર્ષ જેટલી રાહ હવે તો જોવાય એમ નથી, ડિઝનીવાલો સુન રહે હોના….!

રેટિંગ : 8/10

આલેખન : મનન બુધ્ધદેવ
Whatsapp : 9879873873
FB : Master Manan

- text