ખાનપરના ખેડૂતોનું કલેકટર કચેરીએ ઉપવાસ આંદોલન શરુ : એક મહિલાની તબિયત લથડી

- text


ગરમીના રેડ એલર્ટ વચ્ચે ભરબપોરે ખુલ્લા તડકામાં બેઠેલા ખેડૂતોની ઉપવાસી છાવણી માટે મંડપની મંજૂરી ન અપાતા ખેડૂતો જીદે ચડ્યા : કાઈ પણ થાય તો જવાબદારી કલેકટર તંત્રની

મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામે અનુસૂચિત જાતિના લોકોને સ્મશાનભૂમિ માટે ફાળવવામાં આવેલી જમીન રદ કરવાની માંગણી સાથે આજે ખેડૂતોએ પરિવાર સાથે કલેકટર કચેરીમાં ધામા નાખી અમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરતાં તંત્ર માટે ઉપાધિ થઈ પડી છે બીજી તરફ ધોમધખતા તાપમાં કલેકટર તંત્રએ ઉપવાસી છાવણી માટે મંડપની મંજૂરી ન આપતા જીદે ભરાયેલા ખેડૂતોએ બળબળતા તાપમાં બેસી ગયા છે અને કઈ પણ થાય તો જવાબદારી કલેકટરના શિરે રહેશે તેવું જાહેર કરતા તંત્ર મુસીબતમાં મુકાયું છે. જયારે ઉપવાસ પર બેઠલા ઉપવાસીઓમાંથી એક મહિલાની તબિયત લથડતા તેમને 108 મારફતે સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે.

ખાનપર ગામે અનુ.જાતિના સ્મશાન માટે જે જમીન ફાળવવામાં આવી હતી તેના વિરોધમાં ખાનપરના ગ્રામજનોએ તંત્રને આવેદન પાઠવી ત્રણ દિવસનું અલટીમેટમ આપ્યું હતું. ત્રણ દિવસ વીત્યા બાદ પણ તંત્ર દ્વારા આ નિર્ણય રદ કરવામાં ન આવતા આજે ખાનપરના ગ્રામજનોએ ગાદલા અને ખાટલા સાથે કલેક્ટર કચેરીએ ધામા નાખ્યા છે. ગ્રામજનો રાતવાસો કરવાની તૈયારીમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.

- text

ખાનપરના ગ્રામજનોએ સમસ્ત પરિવાર સાથે કલેક્ટર કચેરીએ ધામા નાખ્યા છે. હાલ કલેક્ટર કચેરીના પટાંગણમાં બાળકો, મહિલાઓ તેમજ વૃદ્ધો સહિતના દ્વારા અમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. હાલ ગરમી માટે રેડ એલર્ટ વચ્ચે ખુલ્લામાં બેઠેલા ગ્રામજનોની તબિયત લથડે નહિ તે માટે અધિક કલેક્ટર સમક્ષ મંડપ મુકવાની માંગ ઉઠાવવામાં આવી હતી. ત્યારે અધિક કલેક્ટરે મંડપ નાખવાની પરવાનગી ન આપતા ગ્રામજનોએ તડકામાં જો કોઈની તબિયત લથડે તો તંત્ર જવાબદાર રહેશે તેમ જણાવ્યું હતું.

ખાનપર ગામના રતિલાલ ચતુરભાઈ ઘોડાસરા, ભીમજીભાઈ ગાંડુભાઈ અમૃતિયા, ગિરધરભાઈ વશરામભાઈ અમૃતિયા, મુળજીભાઈ ગોવિંદભાઇ ઘોડાસરા, નથુભાઈ કરમશીભાઈ ભીમાણી, નરશીભાઈ મોહનભાઇ જીવાણી, કરમશીભાઈ પરસોતમભાઈ ઘોડાસરા, ગણેશભાઈ મોહનભાઇ જીવાણી, છગનભાઈ જીવાભાઈ જીવાણી અને હંસરાજભાઈ ધરમશીભાઈ જીવાણી સહિતના અગ્રણીઓએ પોતાના પરિવાર સાથે કલેક્ટર કચેરીના પટાંગણમાં આંદોલન શરૂ કર્યું છે. તે દરમિયાન ખાનપરના એક ઉપવાસી મહિલા નયનાબેન દવેની તબિયત લથડતા તેમને 108 મારફતે મોરબીના સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પરિવાર સાથે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોએ જ્યાં સુધી તેમની માંગણી ના પુરી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો હુંકાર કર્યો હતો.

- text