હળવદ નગરપાલિકાના વોર્ડ નં.૩માં સ્થાનિકો સાથે ઓરમાયુ વર્તન

- text


પાણીના પ્રશ્ને મહિલાઓ બની રણચંડી : નગરપાલીકા પર કર્યો હલ્લાબોલ

હળવદ : હળવદ નગરપાલિકા શહેરના રહીશોની સુખાકારી સુવિધાઓ આપવામાં નિષ્ફળ નિવડી હોય તેમ આજે વોર્ડ નં.૩ની મહિલાઓએ આક્રોશ વ્યકત કર્યો હતો. જેમાં રસ્તા, ગટર લાઈન, લાઈટ, સાફસફાઈ વગેરે સમસ્યાઓમાં વળી દાઝ્યા પર ડામ દીધા હોય તેમ હળવદ નગરપાલિકા દ્વારા કેટલાક વોર્ડમાં પીવાનું પાણી સમયસર મળતુ નથી અને મળે તો પાછુ પિવા લાયક નથી હોતું ત્યારે વોર્ડ નં.૩ની મહિલાઓ મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરીએ ધસી જઇ હલ્લાબોલ કર્યો હતો.

હળવદ નગરપાલિકા દ્વારા છેલ્લા થોડા સમયથી પિવાના પાણીની અનિયમિત આવવુ અને આવે તો પાછુ ગંદુ પાણીની સમસ્યાઓથી શહેરીજનોમાં બૂમરાડ ઉઠવા પામી છે. તેવામાં પાલીકાના અધિકારીઓ દ્વારા માત્ર ઠાલા વચનો આપવામાં આવે છે, એટલું જ નહીં ધ્રાંગધ્રા દરવાજાથી દંતેશ્વર મંદિરના વિસ્તાર સુધી આવેલ લઘુમતી કોમના સ્થાનિકોએ પાણી પ્રશ્ને રજૂઆત કરતા પાલિકાના અધિકારીઓ પર સણસણતા સવાલો સાથે આક્ષેપો કર્યા હતા.

- text

વોર્ડ.૩ની મહિલાઓએ આ અંગે રજૂઆત કરતા જણાવ્યું કે, પાલિકાના અધિકારીઓ વ્હાલા-દવલાની નીતિ રાખી અમારા વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે અને પાણી પ્રશ્ને પાલિકા તંત્ર ગંભીરતા દાખવી વોર્ડ નં.૩માં સમયસર પીવા લાયક પાણી મળે તેવી માગ કરી હતી અન્યથા પાણી પ્રશ્ને ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ તકે હળવદ તાલુકા પ્રમુખ ડો.કે.એમ.રાણાની આગેવાની હેઠળ ઝરીનાબેન, નજમાબેન, ફાતમાબેન, રૂકશાનાબેન સહિત વોર્ડ નં.૩ની મહિલાઓએ હળવદ નગરપાલિકા કચેરીમાં પાણી પ્રશ્ને ધસી જઈ નિયમિત અને પીવા લાયક પાણી આપવા ઉગ્ર રજૂઆત કરતા હલ્લાબોલ કર્યો હતો.

- text