મોરબી-હળવદ રોડનું કામ નિયત સમયમાં પૂર્ણ ન થતા કોન્ટ્રાકટ રદ

- text


મોરબી-જેતપર રોડનું કામ દોઢવર્ષમાં ૫૦% થયું:કામ પૂર્ણ કરવા ચાર માસની મુદત અપાઈ

મોરબી:મોરબી-હળવદ અને મોરબી-જેતપર માર્ગને કરોડો રૂપિયાના ખર્ચે નવો બનાવવા કોન્ટ્રાકટ અપાયા બાદ નિયત સમય કરતાં પણ વધુ સમય વિતિ જવા છતાં આ રોડના કામ પૂર્ણ ન થતા માર્ગ અને મકાન વિભાગ મોરબીએ હળવદ રોડનું કામ રાખનાર વિશાલ ઇન્ફ્રા ગ્લોબલનો કોન્ટ્રાકટ રદ કરી કરોડોની ડિપોઝીટ જપ્ત કરી છે તો બીજી તરફ જેતપર રોડનો કોન્ટ્રાકટ રાખનાર અમદાવાદની પેઢીને ચાર માસની વધારાની મુદત આપવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી હળવદ હાઇવે ના નવીનીકરણ માટે માર્ગ અને મકાન વિભાગ મોરબી દ્વારા ૧૮ કિમીના માર્ગ માટે ૩/૧૨/૧૫ થઈ ૨૬/૬/૧૭ સુધીમાં કામ પૂર્ણ કરવાની શરતે રૂપિયા ૩૨ કરોડમાં કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો પરંતુ નિયત મુદત વીત્યાના બે માસનો સમય વીતવા છતાં હજુ માંડ ૨૦% કામગીરી જ પુરી કરવામાં આવતા આરએન્ડબી મોરબીએ વિશાલ ઇન્ફ્રા ગ્લોબલની ૧૦% ડિપોઝીટ જપ્ત કરી કડક પગલાં ભરવા તૈયારી શરૂ કરી છે.
બીજી તરફ મોરબી-જેતપર માર્ગનો કોન્ટ્રાકટ રાખનાર અમદાવાદની સરસ્વતી બિલ્ડકોન નામની પેઢી દ્વારા પણ દોઢ-દોઢ વર્ષનો સમય ગાળો વિતવા છતાં રોડનું કામ પૂર્ણ ન કરતા માર્ગ અને મકાન વિભાગ મોરબીના કાર્યપાલક ઈજનેર દોમડિયા દ્વારા કોન્ટ્રાક્ટરને ૧૧ વખત નોટિસ ફટકારવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

- text

વધુમાં ઇજનેરશ્રી ડોમડિયાએ જણાવ્યું હતું કે મોરબી જેતપર માર્ગનું કામ નિયત સમયમાં પૂર્ણ થયું નથી ત્યારે કોન્ટ્રાક્ટરને ચાર માસની મુદત વધારી અધૂરું કામ પૂર્ણ કરવા છેલ્લી તક આપવામાં આવી છે જો ૩૧ ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ નહીં થાય તો કડક પગલાં ભરવાની સાથે આ કોન્ટ્રાક્ટરની ડિપોઝીટ પણ જપ્ત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- text