મોરબી : અતિવૃષ્ટિગ્રસ્ત ૧૨૬૯ લોકોને રૂ.૪.૧૮ લાખની સહાય

- text


આરોગ્ય તંત્ર દ્રારા રોગચાળો ન ફેલાય તે માટે ૩૮ ગામોમાં ૨૪૦૮૫ ક્લોરીન ગોળીનું વિતરણ

મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિગ્રસ્ત લોકોને તત્કાલ સહાય આપવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં ૧૨૬૯ લોકોને રૂ.૪.૧૮ લાખની કેશડોલ્સ સહાય અપાઈ છે. ઉપરાંત જિલ્લામાં થયેલા રસ્તા ખરાબ તથા ખેતરોના ધોવાણ અને રોગચાળો ન ફેલાય તે માટે તકેદારીના ભાગરૂપે જુદા-જુદા વિભાગ દ્વારા પગલાં ભરાઈ રહ્યા છે.
જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે આપેલી વિગતો મુજબ માળીયા(મી)માં ૧૭૭ જેટલા પરીવારોના ૩૧૮ અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરાયું હતું. જેમને ઘરવખરી, કપડા તથા કેશડોલ્સ રૂપે રૂ.૨.૩૫ લાખની સહાય અપાઈ હતી. મોરબીના ૪૯ લોકોનું સ્થાળાંતર કરાયું હતું. જેમને રૂ.૨૬ હજારની સહાય આપવામાં આવી છે. વાંકાનેરના જાલસીકા અને ભાલગામમાં પાંચ ભેંસોના મોતના કેસમાં રૂ.૧.૩૬ લાખની સહાય અપાઈ છે. માળીયા(મી)ના હરીપર, ભીંસર, વાઢવિસ્તારમાં પાણીમાં ફસાયેલા ૧૭૧ લોકોને રેશ્ક્યુ કરીને બચાવાયા હતા. કલેકટરે વાઢ વિસ્તારમાં ગોઠણહળ પાણીમાં ઉતરીને રાહત બચાવની કામગીરી કરી હતી. ભારે વરસાદના કારણે અરણીટીંબા, જડેશ્વર રોડ, દિધડીયા ચિત્રોડા રોડ, કડિયાણા પાડા તીર્થ રોડ, હળવદ વેગવાવ, હિરાપર કોપલી સહિતના ૧૫ માર્ગો તૂટી જતાં બંધ થઈ ગયા હતા. જે પૈકીના ૮ રોડ ચાલુ કરાયા છે. આ રસ્તાઓને આશરે રૂ.૨ કરોડની નુકસાની થઈ છે. જ્યારે આરોગ્ય તંત્ર એ રોગચાળો ન ફેલાય તે માટે ૩૮ ગામોમાં ૨૪૦૮૫ ક્લોરીન ગોળીનું વિતરણ કર્યું હતું. અને ૨૮૬ ફળિયામાં ડીડીટી તથા ૩૪૭ ઘરોમાં સફાઈ કરી હતી. ખેતીવાડી ખાતાએ ૬ ટીમો બનાવીને ખેતરોને નુકસાની અંગે સર્વની કામગીરી હાથ ધરી છે.
બે કર્મચારીને નોટીસ, મેડિકલ ઓફિસરની બદલી વરસાદને કારણે જિલ્લા કલેકટરના આદેશ મુજબ ગઇકાલે તમામ કચેરી ચાલુ હતી પરંતુ ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બે કર્મચારી હાજર ન રહેતાં બંનેને નોટીસ ફટકારીને ખુલાસા માંગ્યા છે. જ્યારે સાવડી ગામમાં મેડિકલ ઓફિસર આરોગ્યની કામગીરી વખતે હાજર ન હોવાથી તાત્કાલિક ધોરણે તેમની ટીકર ખાતે બદલી કરાઇ છે.

- text

- text