મોરબી પાલિકામાં ભાજપનો કબ્જો : પ્રમુખ તરીકે ગીતાબેન કંજારીયા : ઉપપ્રમુખમાં ભરત જારીયા

- text


ભાજપે 35 સભ્યોના ટેકાથી પાલિકા કબ્જે કરી

 

મોરબી : મોરબી નગર પાલિકામાં ભારે રાજકિય ઉથલપાથલ બાદ અંતે મોરબી પાલિકા પર ભાજપે કબ્જો મેળવવામાં સફળતા હાથ ધરી છે. આજે યોજાયેલી પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના સમર્થનથી મહિલા પ્રમુખ પદે વોર્ડ નં 13ના કાઉન્સિલર ગીતાબેન કિશોરભાઈ કંજારીયા અને ઉપપ્રમુખ પદે વોર્ડ નં 13 કાઉન્સિલર ભરત જારીયા વિજય બન્યા હતા. ભાજપે પોતાના 20 સભ્યો ઉપરાંત અન્ય 15 કોંગ્રેસના બાગી સભ્યોના ટેકાથી પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ખુરશીઓ પર કબ્જો મેળવી પાલિકાની સત્તા હાંસલ કરી છે.
મોરબી પાલિકાના કાઉન્સિલર હોલમાં આજે બપોરે 12 વાગ્યે ડે. કલેક્ટર કેતન જોશીની હાજરીમાં પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પૂર્વે ભારે રાજકીય ઉથલપાથલ અને હાઈ વૉલ્ટેજ ડ્રામા અને અમુક સભ્યોના અપહરણ અને તેમને અજ્ઞાતવાસમાં લઇ જવાયાની ચર્ચા વચ્ચે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે ગીતાબેન કિશોરભાઈ કંજારીયા અને ઉપપ્રમુખ પદ માટે ભરત જારિયાની ઉમેદવાર તરીકે દાવેદારી કરવામાં આવી હતી જયારે બોર્ડ શરૂ થવાના સમયે આવેલા કોંગ્રેસના સભ્યોએ આ ઔપચારિક ચૂંટણીમાં હાજરી આપી હતી. કોંગ્રેસ તરફથી પ્રમુખ પદે પ્રીતિબેન સરડવા અને ઉપપ્રમુખ માટે કાનજીભાઈ નકુમની દાવેદારી કરી હતી. જેમાં ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને કુલ 35 સભ્યોનું સમર્થન મળતા તેઓ હરીફ ઉમેદવારો સામે બહુમતીથી વિજય થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે પ્રમુખ પદે ચૂંટાયેલા ગીતાબેન કંજારીયા જનસંઘના જુના કાર્યકર ગોવિદભાઈ કંજારીયાના પુત્રવધુ છે. જયારે ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખ એક જ વોર્ડ માંથી પસંદ કરાયા છે.
કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્તને ભાજપે ટેકો આપી વિકાસ સમિતિને ઘરભેગી કર્યા બાદ મોરબી શહેર ભાજપ લાખાભાઇ જારીયાની આગેવાનીમાં ભાજપે કોંગ્રેસના જ બાગી સભ્યોના ટેકાથી સૌરાષ્ટ્રની સૌથી મોટી નગર પાલિકામાં કબ્જો મેળવી લીધો. જ્યારે ભાજપના ટેકાથી જે પ્રમુખ ઘરભેગા થઈ ગયા તે પૂર્વ પ્રમુખે પણ ભાજપના ઉમેદવારને ટેકો આપી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.આમ ભાજપે કોંગ્રેસ અને વિકાસ સમિતિના ટેકાથી પાલિકા કબ્જે કરી છે.
શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાએ આ તકે જણાવ્યું હતું કે અમને ટેકો આપનાર સૌ સભ્યોનો અમે આભાર માનીયે છીએ અને ભાજપ મોરબી નગર પાલિકામાં ભ્રષ્ટાચાર મુકત વહીવટ સાથે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર પર કામ કરી મોરબીના વિકાસ પર ભાર આપશે.

- text