વાંકાનેર રેલવે તંત્રના પાપે હાઇવેના બ્રિજમાં વરસાદી પાણી ભરાયા

 

મોરબી અપડેટ’ દ્વારા અગાઉ પ્રસિદ્ધ કરાયેલા અહેવાલમાં દર્શાવાયેલી આશંકા સાચી ઠરી : ભારે વરસાદમાં મહિકા ગામ સંપર્ક વિહોણું બને તેવી સ્થિતિ

વાંકાનેર : વાંકાનેરમાં આજે સવારે વાતાવરણમાં અચાનક પલટો આવેલ અને વાદળછાયા વાતાવરણમાં ઠંડક પ્રસરીને થોડીવારમાં વર્ષારાણીએ આગમન પોકાર્યું હતું.અને થોડીવારમાં એકાદ ઇંચ જેટલો વરસાદ થયેલ. વાંકાનેરની સાથોસાથ આજુબાજુના ગામડાઓમાં પણ વરસાદ આવવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયેલ હતો. જો કે આ દરમિયાન હાઇવેના બ્રિજમાં વરસાદી પાણી ભરાઇ જતા રેલવે તંત્રની બેદરકારી છતી થઈ હતી.

મોરબી અપડેટ દ્વારા થોડા દિવસો પહેલા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવેલ જેમાં જણાવેલ કે આવનારા દિવસોમાં વરસાદના કારણે નેશનલ હાઇવે પર રેલ્વેના અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાની આશંકાઓ રહેલ છે અને તાત્કાલિક રેલ્વે પ્રશાસન દ્વારા આ અંગે પગલાં ભરવામાં નહીં આવે તો મહીકા પંથકના લોકોનો વાંકાનેર સાથે સંપર્ક કપાઈ શકે છે જે આશંકાઓ આજે સાચી પડી છે અને રેલ્વે દ્વારા આ અંગે ગંભીરતાથી કોઈ કાર્ય ન કરાતાં આજે આટલાં ઓછા વરસાદે પણ રેલ્વે બ્રિજ નીચે પાણી ભરાયા હતા.

રેલ્વે બ્રિજ નીચે પાણી ભરાવા નું મુખ્ય કારણ રેલ્વે દ્વારા બીજી નવી લાઈનનું કામ ચાલુ હોવાથી નેશનલ હાઇવેના ચંદ્રપુરના બંને બાજુ આવેલ વરસાદી પાણીના નિકાલના વોંકળામાં માટીકામ દ્વારા બંધ કરી આપવામાં આવેલ છે. રેલ્વેના પ્રોજેક્ટ મેનેજરને આ બાબતે નેશનલ હાઇવે દ્વારા જાણ કરવામાં આવેલ અને યોગ્ય કરવા જણાવવામાં આવેલ પરંતુ એસી ચેમ્બરમાં બેસતાં ચોપડીનું જ્ઞાન ધરાવતા સરકારી બાબુ દ્વારા જણાવવામાં આવેલ કે આ ઓથોરાઈઝ વોંકળો નથી અને નવી લાઈનની ડિઝાઇનમાં આ અંગે કશું જણાવવામાં આવેલ ન હોય હું અહીં વરસાદી પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા નહીં કરું.એને કોણ સમજાવે કે વરસાદી પાણી ઓથોરાઇઝ કે અનઓથોરાઇઝ નથી હોતું પરંતુ પાણી પોતાનો રસ્તો આપમેળે કરે છે અને જો નિકાલની કોઈ વ્યવસ્થા ન હોય તો પાણી જમા થાય છે જેથી હાલાકી સામાન્ય લોકોને થાય છે.

આમ ફક્ત એક વ્યક્તિની જીદના કારણે વાંકાનેરના રહેવાસીઓ આગામી સમયમાં વધુ વરસાદમાં હેરાન થશે અને ઇમર્જન્સી સંજોગોમાં વાંકાનેરથી 108 કે પોલીસને મહીકા પંથકમાં જવા માટે વરસાદ બંધ થવાની રાહ જોવી પડશે.