ભાડે આપેલી કાર શોધવા મોરબી આવેલા 13 શખ્સોએ બઘડાટી બોલાવતા પોલીસ ફરિયાદ 

- text


અન્યની કાર પોતાની હોવાનું સમજી બઘડાટી બોલવતા લોકોના ટોળા ભેગા થયા, પોલીસ પણ પહોંચી 

મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાં બુધવારે મોડીરાત્રે અલગ અલગ ત્રણ ગાડીમાં આવેલા રાજકોટના 13 શખ્સોએ અન્યની કારને પોતાની હોવાનું સમજી કાર બળજબરીથી લઈ જવા પ્રયાસ કરી બઘડાટી બોલાવતા લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા સાથે જ પોલીસ પણ સમયસર પહોંચી ગઈ હતી, સમગ્ર મામલે રાજકોટના શખ્સોએ મહિલા સાથે બેહુદગી આચરતા મહિલાએ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

મોરબીના વિસીપરામાં બનેલી ઘટના અંગે ફરિયાદી સરીફાબેન ઉર્ફ મુમતાજબેન દાઉદભાઇ જામે રાજકોટના (૧) આનંદ ગણપતભાઇ દવે (૨) ભાવીક ભરવાડ(૩) રવી ભરવાડ(૪) અભય મકવાણા (૫) ધવલ મકવાણા (૬) ધર્મેશ બારોટ (૭) ધવલભાઇ મુકેશભાઇ પ્રજાપતિ (૮) રજત સાવલીયા (૯) પાર્થ પટેલ (૧૦) વિવેક ઉમરેઠીયા (૧૧) ભરત ડાંગર (૧૨) સમીર સલીમભાઇ શાહમદાર (૧૩) સાહિલ બોદુભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, બુધવારે મોડીરાત્રે આ તમામ શખ્સ તેમના ઘર પાસે આવી પાડોશમાં રહેતા રસુલભાઇની હુન્ડાઇ કંપનીની વેરના ગાડી લઈ જવાની કોશિશ કરતા હોય શરીફાબેન અને તેમના પતિએ આરોપીઓને રોકયાં હતાં.

- text

વધુમાં રાજકોટથી અલગ-અલગ ત્રણ ગાડીમાં આવેલા શખ્સોએ જણાવ્યું હતું કે અમે ગાડી ભાડે આપીએ છીએ અને આ ગાડીમાં જીપીએસ ફિટ કરેલ છે અમારી ગાડી ભાડે ગયા બાદ ભાડું મળ્યું ન હોય આજે અમે ગાડી લેવા આવ્યા છીએ અમને કોઈ રોકી ન શકે કહી હંગામો મચાવી શરીફાબેન સાથે બેહુદગી ભર્યું વર્તન કરી બોલાચાલી અને ઝઘડો કરી ગાળાગાળી બાદ જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text