ગંભીર બેદરકારી : નર્મદા કેનાલમાં ફેક્ટરીનું કેમિકલ છોડાતા મચ્છું-2 ડેમનું પાણી દુષિત થયું !!

- text


ડેમના કાઠે કેમિકલ યુક્ત પાણીની લેયર જોવા મળતા ડેમના અધિકારીઓ જીપીસીબીને રિપોર્ટ કરશે : પીવા અને સિંચાઈ માટે વપરાતા પાણીને દૂષિત કરનાર ફેકટરી સામે કડક કાર્યવાહીની સ્થાનિકોની માંગ

મોરબી : નર્મદા કેનાલમાં કોઈ ફેક્ટરી દ્વારા કેમિકલ છોડવામાં આવતા મચ્છું-2 ડેમનાં કાઠે કેમિકલ યુક્ત પાણીની લેયર જોવા મળી છે. જેથી પીવા અને સિચાઈમાં ઉપયોગમાં લેવાતું મચ્છુ 2 ડેમનું પાણી પણ બગડ્યું છે કે કેમ ? આ મામલે ડેમના અધિકારીઓ હરકતમાં આવ્યા છે અને તપાસનો દૌર શરૂ કર્યો છે.

મોરબી તાલુકાના જોધપર નજીક આવેલ મચ્છું-2 ડેમ અનેક ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. આ ડેમમાં નર્મદા કેનાલ મારફત પાણી ઠલવાય છે. જો કે સિરામિક ઝોન માંથી પસાર થતી આ કેનાલની આજુબાજુ આવેલી કોઈ ફેકટરીમાંથી નર્મદા કેનાલમાં કેમિકલ ઠાલવવામાં આવતા મચ્છું-2 ડેમનું પાણી પણ દૂષિત થઈ ગયું હોવાનું સામે આવ્યું છે.

આ મામલે ડેમના અધિકારી ભોરણીયાએ જણાવ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ. કાંઠા ઉપર કેમિકલવાળું પાણી જોવા મળી રહ્યું છે. આ મામલે જીપીસીબીને રિપોર્ટ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ ડેમમાં કેમિકલ ભળતા પાણી દૂષિત થઈ ગયું હોય, સ્થાનિક જાગૃત નાગરિકોમાં રોષ વ્યાપી ગયો છે. આ કેમિકલ જાહેર ઉપયોગમાં લેવાતા પાણીના જથ્થામાં ભેળવનાર ફેકટરી સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

- text

- text