વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના પાંચ આરોપીઓના આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરી

- text


સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટે પાંચેય આંરોપીઓના આગોતરી જામીન અરજી રદ કરી

મોરબી : મોરબીમાં અનુસૂચિત જાતિ સમાજના યુવાનને બાકી નીકળતો પગાર ચૂકવવાને બદલે માર મારી પોતાનું પગરખું મોઢામાં લેવડાવી જંગલિયત ભર્યું કૃત્ય આચરનાર કહેવાતી રાણીબા સહિતના પાંચ આરોપીઓ પોલીસ ધરપકડથી બચવા મોરબી કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કર્યા બાદ આજે નામદાર મોરબી સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટે પાંચેય આંરોપીઓના આગોતરા જામીન અરજી રદ કરી દીધી છે.

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા ઉ.વ.21 નામના યુવાને રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટના ચોથામાળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં માર્કેટિંગની નોકરી કર્યા બાદ આ નોકરી છોડી દઇ બાકી નીકળતો પગાર માંગતા વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત સહિતના દ્વારા કમર પટ્ટા વડે તથા ઢીકાપાટુનો મૂંઢ માર મારી આરોપી વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ મોઢામાં લેવડાવી જાતિ પ્રત્યે અપમાનિત કરી કર્યાની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં નોંધાયા બાદ ગઈકાલે પોલીસ દ્વારા આરોપીઓની વ્યાપક શોધખોળ કરી રાણીબા ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ આરોપીઓ મળી આવ્યા ન હતા.

- text

દરમિયાન અનુસૂચિત જાતિ સમાજના યુવાન ઉપર અમાનુષી અત્યાચાર આચરનાર રાજકીય વગદાર ધરાવતી કહેવાતી રાણીબા ઉપર કાયદાનો સકંજો કસાવાની સાથે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવતા કહેવાતી રાણીબા સહિતના આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે ગઈકાલે વકીલ મારફત મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અંગે આજે સ્પેશિયલ એસ્ટ્રોસિટી કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સરકારી વકીલની ધારદાર દલીલોને પગલે કોર્ટે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી ડી રબારીની આગોતરા જામીન અરજી રદ કરી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરી રાણીબા સહિતના આરોપીઓ ઉપર ભીંસ વધી છે. બીજી તરફ ડીવાયએસપી ઝાલાના માર્ગદર્શન હેઠળ ત્રણ પોલીસ ટિમો રાણીબા સહિતનાં આરોપીઓને પકડવા સઘન તપાસ ચલાવી રહી છે.

- text