એક ફૂલ દો માલી ! વાંકાનેરના જાલી ગામમાં પ્રેમી-પ્રેમિકાએ મળી અન્ય પ્રેમીનું કાસળ કાઢી નાખ્યું 

- text


એક જ પ્રેમિકાને પ્રેમ કરતા બે પ્રેમીઓ વચ્ચેના ડખ્ખામાં બનેલો બનાવ : પરણિત પ્રેમીના દીકરાએ પિતાનું છત્ર ગુમાવ્યું 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલી ગામે એક ફૂલ દો માલી જેવી ફિલ્મી પ્રેમકહાનીને ટક્કર મારે તેવી ઘટનામાં પરણિત પ્રેમીને પ્રેમિકા અને તેના બીજા પ્રેમીએ સાથે મળી ગળેટુંપો આપી રહેંસી નાખ્યા બાદ મૃતકે ઝેરી દવા પી લીધી હોવાનું નાટક કરતા સમગ્ર બનાવમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પ્રેમિકાએ અન્ય પ્રેમી સાથે મળી ખૂની ખેલ ખેલ્યાનું બહાર આવતા પ્રેમિકા અને પ્રેમી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બોલીવુડની ફિલ્મો જેવા ખૂની ખેલની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા રીક્ષા ચાલક ચોથાભાઇ રૂપાભાઇ રંગપરાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.24ના રોજ તેઓ પોતાની વાડીએ કપાસ વીણતાં હતા ત્યારે આરોપી ધનજીભાઇ કાનાભાઇ માલકીયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તારા નાના ભાઈ પાચાભાઇ રૂપાભાઇ રંગપરાએ ભુપતભાઇ ઉકાભાઇ માલકીયાની વાડીએ દવા પી લીધી છે તું જલ્દી આવી જા, જેથી ફરિયાદી ચોથાભાઈ પોતાની રીક્ષા લઈ ફટાફટ બનાવ સ્થળે પહોંચ્યા હતા.

- text

વધુમાં ચોથાભાઈ બનાવ સ્થળે પહોંચતા ઘટનાસ્થળે આરોપી ધનજીભાઇ કાનાભાઇ માલકીયા અને જાલી ગામે જ રહેતી અરૂણાબેન મનુભાઇ ગોરીયા હાજર હતા જ્યાં વાડીમાં ખાટલા ઉપર પાંચાભાઇ બેભાન હાલતમાં પડ્યા હતા. બાદમાં પાંચાભાઈને સારવારમાં ખસેડી પોસ્ટમોર્ટમ કરવામાં આવતા તેમનું ગળે ટૂંપો આપવાથી શ્વાસ રૂંધાઇ જતા મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું.નોંધનીય છે કે મૃતક પાંચાભાઈના પણ લગ્ન થયા હોવાનું અને સંતાનમાં એક દીકરો હોવાનું બહાર આવ્યું છે.

સમગ્ર મામલે ચોથાભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આરોપી ધનજીભાઇ કાનાભાઇ માલકીયા અને જાલી ગામે જ રહેતી અરૂણાબેન મનુભાઇ ગોરીયા વચ્ચે પ્રેમસંબંધ હોવાનું અને મૃતક પાચાભાઇ રૂપાભાઇ રંગપરાને પણ અરુણા સાથે પ્રેમસંબંધ હોવાથી પાંચાભાઇ આડખીલીરૂપ બનતા હોય બન્ને આરોપીઓએ ગળેટુંપો આપી મોતને ઘાટ ઉતારી પાંચાભાઈએ દવા પી લીધાનું ખોટું બોલતા હોય બન્ને વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text