માત્ર ત્રણ જ મિનિટમાં 35 લાખનું ચીટિંગ ! મોરબીના ઉદ્યોગપતિના બેન્ક એકાઉન્ટમાંથી નાણાં બારોબાર ઉપડી ગયા 

- text


સિરામિક ફેકટરીના સીસી અને કરન્ટ એકાઉન્ટમાંથી ભેજાબાજ ગઠિયાએ ઓનલાઇન ફ્રોડ કરતા પોલીસ ફરિયાદ 

મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગપતિના કારખાનાના સીસી અને કરન્ટ એકાઉન્ટમાંથી ભેજાબાજ ગઠિયાએ ફક્ત ત્રણ જ મિનિટમાં રૂપિયા 35 લાખ ઉપાડી લઈ છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

છેતરપિંડીના આ ચોંકાવનારા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર રહેતા અને બેલા-પીપળી રોડ ઉપર પાર્કિંગ ટાઇલ્સ બનાવવાની વીકોન સિરામિક ફેક્ટરીના ભાગીદાર આશિષભાઇ નરસિંહભાઇ સીતાપરાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.23 ઓક્ટોબરના રોજ સાંજના 7.37થી 7.40 સુધીના ત્રણ મિનિટના સમયગાળામાં તેમના કારખાનાના સીસી અને કરન્ટ એકાઉન્ટમાંથી ભેજાબાજ ગઠિયાએ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 35 લાખની માતબર રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધી હતી.

- text

જો કે, મોબાઈલમાં બેન્કના કર્મચારીનો ફોન આવતા કારખાનેદારે તેમના એકાઉન્ટન્ટને સમગ્ર બાબતે પૂછતાં કોઈને ચેક કે અન્ય રકમ ટ્રાન્સફર કરી ન હોવાનું માલુમ થતા તેમની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા તાત્કાલિક બેન્ક એકાઉન્ટ ફ્રિજ કરાવી તપાસ કરતા ભેજાબાજ ગઠિયાઓ દ્વારા આ 35 લાખની રકમ આઇ.સી.આઇ.સી.આઇ. બેંક એકાઉન્ટ નંબર- 7740010004 માં 15 લાખ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક એકાઉન્ટ નંબર 669301018657માં 10 લાખ તેમજ આઇ.ડી.એફ.સી. બેંક એકાઉન્ટ નંબર 10130789965માં 10 લાખ મળી કટકે કટકે ફરીયાદીના બેંક એકાઉન્ટમાંથી ફરીયાદીની જાણ બહાર કોઇપણ રીતે ઇલેકટ્રોનીક માધ્યમથી કે ફરીયાદીના નેટબેકીંગ પાસવર્ડનો ઉપયોગ કરી મેળવી લીધાનું સામે આવ્યું હતું.

હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સીરામીક કારખાનેદાર આશિષભાઇ નરસિંહભાઇ સીતાપરાની ફરિયાદને આધારે ત્રણેય બેન્ક એકાઉન્ટ નંબર ધારક વિરુદ્ધ આઇપીસી કલમ 406, ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ 2000ની કલમ 66 (સી) અને 66(ડી) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text