આજે વિશ્વ પ્રવાસન દિવસ ! મોરબીના સ્વંયભુ જડેશ્વર મંદિર, મહર્ષિ દયાનંદ સ્મારક અને માટેલધામ પ્રોજેકટ આજે’ ય અધૂરા

મોરબી : મોરબી જિલ્લામાં પ્રવાસન નિગમની મંથર ગતિએ કામગીરી ચાલતી હોય તેમ જિલ્લાના ત્રણ મહત્વના તીર્થધામ એવા સ્વંયભુ જડેશ્વર મંદિર, મહર્ષિ દયાનંદ સ્મારક, માટેલધામના પ્રોજેકટ આજે ય અધૂરા રહ્યા છે.

મોરબી જિલ્લામાં પ્રવાસન નિગમ દ્વારા મોરબી જિલ્લાના આ ત્રણ તીર્થધામોના વિકાસ માટે પ્રોજકેટો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં વાંકાનેરના સ્વંયભુ જડેશ્વર મંદિર 2 કરોડના ખર્ચે, ટંકારાના મહર્ષિ દયાનંદ સ્મારક 1 કરોડના ખર્ચે, માટેલ ધામ ખોડિયાર મંદિરના વિકાસ કામો 50 લાખના ખર્ચે હાથ ધરવામાં આવ્યા હતા.આ કામોના 2015માં ઠરાવ થયા બાદ વર્ષ 2021માં કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામો એક વર્ષમાં પુરા કરવાની મુદત હતી. પણ આ કામો હજુ પણ પુરા થયા નથી. જડેશ્વર મંદિરમાં પેવર બ્લોક નાખવામાં આવેલા છે. જ્યારે ટોયલેટ, સીસીરોડ સહિતના કામો હજુ પણ ચાલુ છે. મહર્ષિ દયાનંદ સ્મારકમાં ડાઇનિંગ હોલનું કામ ચાલુ છે અને પેવર બ્લોકનું કામ બાકી છે. માટેલધામમાં પેવર બ્લોકનું કામ ચાલુ હોય એકથી દોઢ વર્ષ થવા છતાં કામો પુરા થયા નથી.

આ ઉપરાંત રાણી મા રૂડી માં મંદિર, મૌલાઈ રાજા, નંકલક ધામ, હડમતીયા પાલનપીરની જગ્યા અને વવાણીયામાં સંકટ મોચન જગ્યા સહિતના તીર્થધામના વિકાસો માટે સમયાંતરે જિલ્લા સમિતિ દ્વારા દરખાસ્તો કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.