મોરબીમાં ડીમોલેશનમાં વૃધ્ધાનો આશરો છીનવાતા તંત્રે સંવેદના સાથે આશરો અપાવ્યો 

- text


નિરાધાર વૃધ્ધાની નજર સામે આશિયાનો છીનવતા રડતા વૃદ્ધા માટે અધિકારીઓએ ભાડાના મકાનની વ્યવસ્થા કરી આર્થિક સહાય આપી : નિરાધાર પેંશન માટે પણ કાર્યવાહી કરી 

મોરબી : મોરબીમાં સામાંકાંઠે તાલુકા પંચાયતમાં કવાટર્સના જર્જરિત ક્વાટર્સમાં ડીમોલેશન દરમિયાન નજર સામે એશિયાનો તૂટી પડતા નિરાધાર વદ્ધા ચોધાર આસુંએ રડી પડતા ભારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા અને અધિકારીઓની સંવેદના જાગી ઉઠી હતી. માનવીય અભિગમ સાથે અધિકારીઓએ વૃદ્ધાને આર્થિક સહાય આપવાની સાથે રહેવા માટે આશરો પણ આપી વૃદ્ધ પેન્શન શરૂ કરાવવા કામગીરી હાથ ધરી માનવતા મહેકાવી હતી.

સામાન્ય રીતે ડીમોલેશન દરમિયાન ગરીબોના એશિયાના છીનવાઈ જાય ત્યારે લોકો તંત્ર ઉપર ફિટકાર વરસાવતા હોય છે પણ તંત્ર અને અધિકારીઓ આખરે એક માણસ હોય અને તેમનામાં પણ સંવેદના છે. માનવતા મરી પરવારી નથી એવો કિસ્સો આજે મોરબીમાં સામે આવ્યો છે. જેમાં મોરબીમાં સામાંકાંઠે તાલુકા પંચાયતના જર્જરિત ગેરકાયદે દબાણો ઉપર તંત્ર દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું હતું. જેમાં 11 જેટલા મકાનોમાં વસવાટ ગેરકાયદે હોય તેને તોડી પાડવામાં આવ્યા હતા. તેમાં 82 વર્ષના ગરીબ વૃદ્ધા સવિતાબેન મયાશકર પંડ્યાના બે પુત્ર કુદરતે છીનવી લીધા હોય અને એકાયલાયું જીવન જીવતા હોય પણ તંત્રએ આજે આશિયાનો પણ છીનવી લેતા આ નિરાધાર બનેલા વૃદ્ધા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

- text

બીજીતરફ વૃધ્ધાને રડતા જોઈ ડીમોલેશન કરતા અધિકારીઓની સંવેદના પણ છલકાઈ ઉઠી હતી અને ટીડીઓ ટી.ડી. કોટક, મહેન્દ્રનગરના તલાટી, સર્કલ ઓફિસર સહિતના અધિકારીઓએ આ વૃદ્ધાને એક મકાન શોધી આપી તેનું ભાડું અને આર્થિક સહાય પણ આપી હતી. વૃદ્ધા પ્રત્યે અધિકારીઓ અત્યંત લાગણીશીલ અભિગમ અપનાવી સરકારી કર્મચારીઓ દ્વારા આશરાની વ્યવસ્થા ગોઠવી આપી સાથેસાથે વૃદ્ધાને જીવન નિર્વાહ માટે વૃદ્ધ પેન્શન ચાલુ થાય તેવા પ્રયાસો કરી સંવેદના વ્યક્ત કરી હતી.

- text