વાવાઝોડાને કારણે મોરબીના 4 સહીત સૌરાષ્ટ્ર-કચ્છના 1092 ગામોમાં અંધારપટ

- text


ભારે પવનમાં મોરબીમાં 125 થાંભલા ધરાશયી : સૌરાષ્ટ્રમાં 4048 થી વધુ વીજ થાંભલા પડ્યા, 2547 ફિડરમાં ફોલ્ટ  

મોરબી : વાવાઝોડાંની અસરને પગલે મોરબીના 4 સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં 1092 ગામોમાં અંધારપટ છવાયો છે અને 4048 થી વધુ વીજથાંભલા ધરાશાયી થતા 2547 ફીડરમાં ફોલ્ટ આવ્યાં છે અને 186 ટ્રાન્સફોર્મર ડેમેજ થયા હતા.વાવાઝોડા બિપરજોયને કારણે હાલમાં સૌથી વધુ નુકશાન પીજીવીસીએલને પહોંચ્યું છે.નોંધનીય છે કે ગઈકાલે બપોરે મોરબી જિલ્લાના 24 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

પશ્ચિમ ગુજરાત વિજ કંપનીનાં સતાવાર રીપોર્ટ પ્રમાણે આજે સવાર સુધીમાં 2547 ફીડર ફોલ્ટમાં ગયા હતા. જામનગરમાં સૌથી વધુ 596 ફીડર, ભુજમાં 339, જુનાગઢમાં 150, મોરબીમાં 149, પોરબંદરમાં 221, તથા અમરેલીમાં 215 ફીડર ફોલ્ટ થયા હતા. તેમાં જયોતિગ્રામના 324 તથા એગ્રીકલ્ચરના 1092 ફીડરનો સમાવેશ થતો હતો. 45 ઔદ્યોગીક ફીડર પણ ફોલ્ટમાં ગયા હતા અને 186 ટ્રાન્સફોર્મર ડેમેજ થયા હતા.

- text

સૌરાષ્ટ્ર-કચ્છના કુલ 1092 ગામડાઓમાં વિજ પુરવઠો કપાયો હતો. તેમાં સૌથી વધુ 526 જામનગરનાં હતા. ભુજના 329, પોરબંદરના 109, મોરબીના 4 ગામોનો સમાવેશ થાય છે.જો કે, ગઈકાલ બપોરે મોરબીના 24 ગામોમાં વીજળી ગુલ થયા બાદ 20 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાતા હવે 4 ગામોમાં જ વીજ પુરવઠો ન હોવાનું સતાવાર જાહેર કરાયું છે. 4048 જેટલા થાંભલાને નુકશાન થયુ હતું. જામનગરમાં સૌથી વધુ 1521, જુનાગઢમાં 909, પોરબંદરમાં 621, અમરેલીમાં 274 થાંભલા ધરાશાયી થયા હતા. રાજકોટ ગ્રામ્યમાં 136 અને મોરબીમાં 125 થાંભલા ધરાશાયી થયા હતા. પીજીવીસીએલમાં 189 ફરીયાદો થઈ હતી તેમાંથી 174નો નિકાલ બાકી હોવાનું જણાવાયુ હતું.

- text