અંતે મોરબી જેતપર અને મોરબી હળવદ રોડના કામનો શનિવારથી પ્રાંરભ

- text


ઔધોગિક વિસ્તારમાં કરોડોના ખર્ચે 17 અલગ અલગ રોડનું કામ શરૂ થશે

મોરબી : મોરબી સીરામીક ઝોનના લાંબા સમયથી ખખડધજ રહેલા મોરબી-જેતપર અણીયારી રોડ અને મોરબીથી હળવદ રોડનું કામ અંતે શરૂ થાય તેવા સતાવાર એંધાણ મળ્યા છે અને મોરબી જેતપર તેમજ મોરબી હળવદ રોડના કામનો શનિવારથી પ્રાંરભ થનાર છે. જેમાં ઔધોગિક વિસ્તારમાં કરોડોના ખર્ચે 17 અલગ અલગ રોડનું કામ શરૂ થશે.

- text

મોરબી જેતપર અણીયારી રોડ અને મોરબી હળવદ રોડને સરકાર દ્વારા ફોરેટ્રેક રોડ બનાવવાની અગાઉ મંજૂરી આપવામાં આવી હતી. પણ સીરામીક ઝોનના આ રોડ લાંબા સમયથી એકદમ ભંગાર હાલતમાં હોવાથી અકસ્માત અને ટ્રાફિકજામની સમસ્યા પણ વધી હતી. તેમાંય ચોમાસામાં આ માર્ગની પથારી ફરી ગઈ હતી. તેથી આ રોડ ઉપર પસાર થવું જોખમી બન્યું હતુઁ ત્યારે હવે આ રોડનું કામ શરૂ થાય તેવા સતાવાર સ્પષ્ટ સંકેત મળ્યા છે. જેમાં મોરબીના ઔદ્યોગિક વિસ્તારના મોરબી-જેતપર-અણીયારી રોડ (રૂ.141 કરોડના ખર્ચે) તથા મોરબી હળવદ રોડ (રૂ.190 કરોડના ખર્ચે) તેમજ મોરબીના ઔદ્યોગિક વિસ્તારના 17 જેટલા અલગ અલગ રોડ (રૂ.50 કરોડના ખર્ચે) કામનો શનિવાર તા.8ના રોજ સાંજે 5-45 વાગ્યે મહેન્દ્રનગર ચોકડી, પેટ્રોલ પંપની બાજુમાં પ્રારંભ થશે. આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડા, મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,જીતુભાઈ સોમણી, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

- text