એક હતી ચકલી ! આજે વિશ્વ ચકલી દિવસ

- text


ચકલીઓ માત્ર વાર્તા અને પુસ્તકોમાં જ ન રહે તે માટે મોરબીના પર્યાવરણ પ્રેમીઓની સતત ઝુંબેશ

મોરબી : એક હતી ચકી અને એક હતો ચકો… બાળપણમા સાંભળેલી વાર્તા આજના સમયના સાચી પડી રહી છે અને ચકલી ભૂતકાળ બનીને છે માંથી હતી તરફ ન જાય તે માટે છેલ્લા દોઢ દાયકાથી 20મી માર્ચના દિવસને વિશ્વ ચકલી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ ઝુંબેશને પગલે લુપ્ત થતી ચકલીઓનો પુનઃ કલબલાટ પણ ગુંજતો થયો છે. ત્યારે આજે વાત કરીશું કે ચકલીને કેવા માળા વધુ પસંદ હોય છે અને ચકલી કેવી કેવી જગ્યાએ માળા બાંધવાનું પસંદ કરતી હોય છે.

મોરબીના પર્યાવરણ પ્રેમી જીતુભાઈ ઠક્કરે મોરબી અપડેટને જણાવ્યું કે, મોરબી શહેરમાં ચકલી લુપ્ત થઈ રહી છે. ચકલીઓ પહેલાની જેમ જોવા મળતી નથી. મોરબી શહેરના 2 કિલોમીટર પછી જ ચકલી જોવા મળે છે. કેમ કે શહેરમાં માળો બાંધવાની જગ્યા નથી રહી. વૃક્ષો પણ ઘટી રહ્યા છે. ચકલીને યોગ્ય ખોરાક મળતો નથી. વાહન વ્યવહારના કારણે ચકલીઓ શહેર છોડી રહી છે. હાલ ચકલીને બચાવવા માટે અમે પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ.

વધુમાં જીતુભાઈ ઠક્કરે જણાવ્યું કે, શહેરમાં ચકલી નથી જ્યારે ગામડામાં હજુ પણ ચકલીઓ જોવા મળે છે. તેથી ગામડામાં જ ચકલી બચાવો અભિયાન ચલાવવું જોઈએ અને માળાનું વિતરણ કરવું જોઈએ. મોરબીના સામાકાંઠા વિસ્તાર, વાવડી રોડ, રવાપર રોડ જેવા વિસ્તારોમાં માળાનું વિતરણ કરવામાં આવે તો ચકલીને બચાવી શકાય છે. જ્યારે શહેરમાં અભિયાન ચલાવવાથી 10-20 ટકા જેટલું જ પરિણામ મળશે. જીતુભાઈ ઠક્કર જણાવે છે કે, જે લોકો ચકલીને તીખું કે તળેલું ખાવાનું નાખે છે તેના બદલે બાજરો, ચોખા કે રોટલીનો ભુક્કો નાખવો જોઈએ તો ચકલી ખાવા આવશે. હાલ ઉનાળો ચાલતો હોવાથી પાણીના કુંડા પણ મૂકવા જીતુભાઈ ઠક્કરે અનુરોધ કર્યો છે.

વર્ષ 2010થી એટલે કે આજથી 13 વર્ષ પહેલા મોરબી જિલ્લામાં ચકલી બચાવો અભિયાનની શરૂઆત કરનાર નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી.બાલાએ મોરબી અપટેડને જણાવ્યું કે, તેઓએ 2010થી ચકલી બચાવો અભિયાનની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં આશરે 1 લાખ જેટલા ચકલીના માળાનું વિતરણ કર્યું છે. મિશન ચકલી બચાવો માટે તેમણે 32 લોકોની ટીમ બનાવી છે જે દિવસ-રાત ચકલીનો અભ્યાસ કરે છે અને ચકલી બચાવવાના દરેક બનતા પ્રયાસો કરે છે. નવરંગ નેચર ક્લબ છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓના માધ્યમથી ચકલી બચાવો ઝુંબેશ ચલાવે છે.

- text

ચકલીને કેવા માળા અનુકૂળ આવે ?

વી.ડી. બાલાએ વધુમાં જણાવ્યું કે, આપણા જુના ઘરો ઘટતાં હવે ચકલીના માળા બનાવવાનો સમય આવ્યો છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે ચકલીને પૂંઠાનો માળો વધુ અનુકૂળ આવે છે. ઘણા લોકો માટીના માળા લગાવે છે પરંતુ ચકલીને અવરજવર કરવામાં માટીના માળા કરતાં પૂંઠાનો માળો વધુ અનુકૂળ આવે છે.

ચકલીના માળા ક્યાં-ક્યાં લગાવવા જોઈએ ?

ચકલીના માળા કઈ જગ્યાએ લગાવવા જોઈએ તેની પણ એક જગ્યા હોય છે. ગમે ત્યાં ચકલીના માળા લગાવવા ન જોઈએ તેમ વી.ડી. બાલાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ઘરચકલી અથવા હાઉસ સ્પેરો વનવગડાનું પક્ષી નથી. તે ક્યારેય જંગલમાં કે ઝાડ પર માળો બનાવતી નથી. તેના માટે સૌથી અનુકૂળ આપણા મકાનો હતા. ઘરની અભેરાઈ, ફોટાઓની પાછળના ભાગે, ઓસરીમાં આવેલી બખોલ, રવેશ, બાલ્કની જેવી જગ્યાએ ચકલીઓ રહેવાનું સૌથી વધુ પસંદ કરે છે. તેના બચ્ચાનો કોઈ શિકાર ન કરે તે માટે ચકલી માણસોની વચ્ચે રહેવાનું પસંદ કરે છે. તેથી ચકલી સુરક્ષિત રહી શકે તેવી જગ્યાએ જ માળા લગાવવા જોઈએ.

વી.ડી. બાલાએ મોરબી અપડેટને આગળ જણાવ્યું કે, આ વર્ષે વિશ્વ ચકલી દિવસે એટલે કે આજે 20 માર્ચના દિવસે ટંકારા તાલુકાની ગજડી પ્રાથમિક શાળા અને મોરબી તાલુકાની કોયલી પ્રાથમિક શાળામાં સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને ચકલીના મહત્વની સમજ આપી પૂંઠાના માળા કઈ રીતે લગાવવા તેની માહિતી આપવામાં આવશે અને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નીતિનભાઈ જેઠા (ગામ-ખીરસરા) દ્વારા વિનામૂલ્યે ચકલીઘર આપવામાં આવશે.

આખુ વર્ષ ચકલીના માળાનું રાહત દરે વિતરણનવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી. બાલાના જણાવ્યા પ્રમાણે મોરબી શહેરમાં ઉમિયા સર્કલ પાસે, મહાદેવના મંદિરની બાજુમાં દર મહિનાના બીજા રવિવારે સવારે 8-30 થી બપોરે 1 વાગ્યા સુધી નવરંગ નેચર ક્લબની ખેડૂત હાટ ભરાય છે જેમાં પડતર કિંમતે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવતું હોય છે.

- text