ભમરાળું ભાગ્ય ! જીએસટી માટે મોરબીને ગાંધીધામના ધક્કા

- text


બાબુઓએ સૌથી વધુ ટેક્સ ચૂકવતી મોરબી ટેરેટરીને કચ્છમાં નાખી દેતા સિરામિક સહિતના ઉદ્યોગકારો પરેશાન

મોરબી : મોરબીનુ ભાગ્ય ભમરાળું હોય તેવી સ્થિતિ વચ્ચે સૌથી વધુ લાઈટ બિલ ચૂકવવા છતાં ગમે ત્યારે વીજકાપ સહન કરવો પડે, દેશમાં સૌથી વધુ ઇન્કમટેક્સ ચુકવવા છતાં સારા રસ્તા ન મળે અને જીએસટી ચુકવવામાં અગ્રેસર રહેવા છતાં મોરબીના સિરામીક,પેપર અને પોલીપેક સહિતના ઉદ્યોગોંને જીએસટીના નાના મોટા કામ માટે રાજકોટની બદલે સવાસો કિલોમીટર ગાંધીધામના ધક્કા ખાવા પડી રહ્યા છે, જો કે, આ મામલે સિરામીક ઉદ્યોગકારો દ્વારા સાંસદથી લઈ ધારાસભ્ય સુધી અનેકાનેક રજુઆત કરવા છતાં જીએસટીનું નીમ્ભર તંત્ર નહીં જાગતા ઉદ્યોગકારો જગચોર્યાસીનો ફેરો ફરવા મજબુર બન્યા છે.

ગજની ઘોડીને સવા ગજનું ભાઠુ ક્હેવત મોરબીના ઉદ્યોગકારો માટે બંધ બેસી રહી છે, વર્ષે દહાડે અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપવાની સાથે ઇન્કમટેક્સ ભરવામાં અગ્રેસર રહેતા મોરબીના મોરબીના સિરામીક,પેપરમિલ, બાથવેર અને પોલીપેક સહિતના ઉદ્યોગો કેમ હેરાન થાય તેવી નીતિ સરકારી બાબુઓ દ્વારા અમલમાં મુકવામાં આવી હોય તેમ વર્ષોથી રાજકોટ સાથે જોડાયેલા મોરબીને અચાનક જ જીએસટી માટે કચ્છના ગાંધીધામ સાથે જોડી દેવામાં આવ્યું છે. પરિણામ સ્વરૂપ ઉદ્યોગકારોને જીએસટીના મામૂલી કામો માટે પણ 65 કિલોમીટર રાજકોટને બદલે 125 કિલોમીટર ગાંધીધામના ચક્કર કાપવા પડે છે.

- text

એમાં પણ રજવાડી ઠાઠમાઠ સાથે કામગીરી કરતા જીએસટીના બાબુઓ જો ગાંધીધામની વળી કચેરીએ હાજર ન મળે તો સવાસો કિલોમીટરનો ધરમધક્કા ખાઈ ખાઈને મોરબીના ઉદ્યોગકારો તોબા પોકારી ઉઠ્યા છે, જીએસટી કચેરી કચ્છમાંથી પુનઃ રાજકોટ સાથે જોડવા માટે મોરબીના સિરામીક એસોશિએશન સહિતના ઔદ્યોગિક સંગઠનો દ્વારા આ મામલે સરકાર અને સાંસદ સહિતના મહાનુભાવોને રજુઆત કરવા છતાં જીએસટીના બાબુઓ આ બાબતે ધ્યાન ન આપતા હોય મોરબીના ઉદ્યોગકારોને હાલ હેરાન થવા સિવાય છૂટકો ન હોવાનું ફલિત થઈ રહ્યું છે.

- text