ટંકારાના લખધીરગઢ ગામે સહકારી અગ્રણીની પ્રતિમા હટાવવાનો આદેશ કરાતા વિવાદ

- text


ટંકારા : ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે સ્થાપિત કરવામાં આવેલી સહકારી અગ્રણી સ્વ. વાઘજી બોડાની પ્રતિમાનું દબાણ દુર કરવા હુકમ કરી દબાણ દંડ ફટકારવામાં આવતા સ્વ. વાઘજી બોડાના ચાહકોમાં નારાજગી જોવા મળી રહી છે અને ટંકારા શહેર ઉપરાંત હાઈવેની અડોઅડ થયેલા દબાણોને પણ આ રીતે દુર કરવા લોક માંગ ઉઠી છે. ત્યારે આ મામલે આગામી દિવસોમાં નવા જૂનીના એંધાણ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

ટંકારાના લખધીરગઢ ગામના પનોતા પુત્ર ખેડૂતોના હૃદય સમ્રાટ અને સહકારી આગેવાન સ્વ. વાઘજી બોડાની કાયમી યાદગીરી રહે તે માટે તેમના માદરે વતન લખધીરગઢ ગામમાં 28 ફેબ્રુઆરી 2021ના રોજ પ્રતિમ મૂકવામાં આવી હતી. જેનું અનાવરણ સહકારી ક્ષેત્રના આગેવાન દિલીપભાઇ સંઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત અનાવરણ કાર્યક્રમમાં ક્રુભકોના ચેરમેન ડો.ચંદ્રપાલસિંઘ યાદવ, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, પૂર્વ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહન કુંડારીયા, પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા સહિતના અગ્રણીઓ આગેવાનોની હાજરીમાં સ્વ વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.

અનાવરણ જે જગ્યાએ કરવામાં આવ્યુ હતું એ જગ્યા સરકારી ખરાબો હોય સામાજિક કાર્યકર ભરત સોલંકીએ આ અંગે ટંકારા મામલતદારને લેખિત ફરિયાદ કરીને જણાવ્યું હતું કે, 143/1/1 વાળી સરકારી જગ્યાએ કોઈ પણ પૂર્વ મંજુરી કે માંગણી વિના સ્ટેચ્યૂ કરી દબાણ કર્યું છે. જેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરતા પેશકદમી અંગેનો કેસ સર્કલ ઓફિસર દ્વારા બાપા સીતારામ યુવક મંડળના પ્રમુખ મનસુખ ઓધવજીભાઈ ફેફર વિરુદ્ધ મામલતદારની સમક્ષ ચાલતા ટંકારા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કેતન સખિયા દ્વારા જમીન મહેસુલ અધિનિયમ 1879 ની કલમ 61 નીચે દબાણ દુર કરવા હુકમ કરી દબાણ દંડ ફટકાર્યો હતો.

- text

આમ સ્વ. વાઘજી બોડાની પ્રતિમાનું દબાણ દુર કરવાનો હુકમ કરી દબાણ દંડ ફટકારવામાં આવતા સ્વ. વાઘજી બોડાના ચાહકોમાં રોષ વ્યાપ્યો છે અને ટંકારા શહેર ચોકડી અને સરકારી જગ્યા ઉપર ખડકેલા દબાણો દૂર કરવા લાજ કાઢતા તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. આ ચુકાદાને પ્રાંત કચેરીમાં પડકારવામાં આવશે. ટંકારા મામલતદાર દ્વારા કરવામાં આવેલા હુકમને હવે પ્રાંત કચેરીમાં ચલાવી પક્ષ રાખવામાં આવશે તેવું બોડા પરિવાર પાસેથી જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેની પ્રતિમા અનાવરણ માટે અનેક નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત હતી એને દૂર કરવા થયેલ હુકમ બાદ નવા જુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

- text