મોરબીના ખાખરાળા ગામે એનએસએસની વાર્ષિક શિબિર યોજાઈ

- text


મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ મોરબી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન.એસ.એસ. વિભાગ અંતર્ગત એનએસએસ યુનિટ દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ ખાખરાળા મુકામે વાર્ષિક શિબિરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ વોરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ ઉદઘાટન સમારોહની શરૂઆત સ્વયંસેવિકાઓ હેતલ રાઠોડ અને મનીષા જોષીએ પ્રાર્થનાથી કરી હતી. યજમાન શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ વાઘડીયાએ સૌનું સ્વાગત કર્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ કે. આર. દંગીએ સ્વાગત અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. એનએસએસના સ્વયંસેવકો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એનએસએસ વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેલ કોઓર્ડીનેટર ડોબરીયા સાહેબે કાર્યક્રમનું ઉદઘાટન કરી એનએસએસની પ્રવૃત્તિને વિસ્તૃત રીતે સમજાવી હતી. વિકટ પરિસ્થિતિમાં એનએસએસ વિભાગે જે સેવાઓ કરે છે તેમનો ચિતાર તેમણે આપ્યો હતો.

કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ દિલીપભાઈ પૈજાએ પ્રાસંગિક પ્રવચનમાં એનએસએસ પ્રવૃત્તિના કાર્યને બિરદાવ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી પ્રદીપભાઈ વોરાએ એનએસએસ પ્રવૃત્તિ અને સંસ્થાના વિકાસલક્ષી કાર્યોને રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર ડો. રામ વારોતરીયાનું પરંપરાગત રીતે શાલ અને શ્રીફળથી સર્વોદય એજ્યુકેશન સોસાયટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સોસાયટીના મંત્રી રજનીભાઈ મહેતા, ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી, સરપંચ નાગદાનભાઈ સવસેટા, ઉપસરપંચ હરેશભાઈ, કોલેજનો સ્ટાફ, પૂર્વ પ્રિન્સિપાલ એલ. એમ. કંજારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભાર દર્શન ડો. અનિલ સિંહ રાજપૂતે કર્યું હતું. ઉદઘાટન સમારોહનું સમગ્ર આયોજન અને સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડો. રામ વારોતરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

15 ફેબ્રુઆરીના રોજ સવારના સેશનમાં તજજ્ઞ વી.ડી. બાલા દ્વારા પર્યાવરણને પ્રેમ વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે વગડાના વિહાર દ્વારા પ્રકૃતિ અને પર્યાવરણને સમજવા, પ્રેમ કરવા પર ભાર મુક્યો હતો. આ ઉપરાંત મધ અને તેના ઉછેર સંચાલનની સમજ આપી મધનું મહત્વ સૂચવ્યું હતું. પર્યાવરણ વિશે માત્ર વાતો નહીં પરંતુ વાસ્તવિક કાર્યો શું કરવા જોઈએ તે તેમણે સમજાવ્યા હતા. ત્યારબાદ સ્વયંસેવકોને વિવિધ વનસ્પતિઓનો આસપાસના વિસ્તારમાં ફરીને પરિચય કરાવવામાં આવ્યા હતા. વનસ્પતિના પરિચય માટે તજજ્ઞ તરીકે વૈદ્ય કે.જે. ઝાલા પણ આ પર્યાવરણના સેશનમાં જોડાયા હતા.

- text

બપોર પછીના સેશનમાં મોરબીના જાણીતા બાળકોના ડોક્ટર, લેખક અને સર્જક સતીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમના વિષય યહ દેશ માંગે મોર પર વાત કરતાં તેમણે દેશ યુવાનો પાસેથી પ્રામાણિકતા માંગે છે. ન્યાયિક વ્યવસ્થા માટે સાધન રૂપ બનવાની અપેક્ષા રાખે છે. તેમણે જણાવ્યું હતુ કે, જીવનમાં વધુ આગળ વધવા માટે જે ક્ષેત્ર પસંદ કરવામાં આવે તેમાં જીવ રેડીને કામ કરવું જોઈએ. પોતાના અનુભવજન્ય ઉદાહરણો દ્વારા તેમણે યુવાનોને પોતાની શક્તિ પરિણામ લક્ષી બનાવવા માટે પ્રેરણાત્મક વાતો કરી હતી.

- text