બગથળા હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ 45 વર્ષ બાદ શાળાના સંસ્મરણો તાજા કર્યા 

- text


ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગુરુ ભાવ વંદના અને સ્નેહમિલન યોજાયું 

મોરબી: આજ રોજ તારીખ 5ને રવિવારના રોજ મોરબીના ભગવતી હોલ ખાતે બગથળા હાઈસ્ફૂલના એસ.એસ.સી બેન્ચ ૧૯૭૬ના વિદ્યાર્થીઓનો સ્નેહમિલન અને ગુરુ ભાવવંદનાનો કાર્યક્રમ આનંદ અને ઉત્સાહપૂર્વક યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ શાળાના સંસ્મરણો તાજા કર્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રાર્થના મીનાબેન અમૃતલાલ ઠોરિયા અને રમાબેન મનસુખભાઈ સરડવાએ રજૂ કરી હતી. ત્યારબાદ અકાળે અવસાન પામેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય આદરણીય ટી.એમ.પંડયા સાહેબ અને બીજા ગુરુજનોએ કર્યું હતું.

ઉપસ્થિત તમામ મહાનુભાવોને સૌ વતી અશોકભાઇ સરાડવાએ મીઠો આવકાર આપીને સન્માનિત કર્યા હતા અને આટલી મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહેવા બદલ ખુબજ આનંદની અને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વીતેલા સંસ્મરણો યાદ કરીને પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી હતી. ગુરુ પરિચય રમેશભાઈ નારણ ભાઈએ આપ્યો હતો. આ સ્નેહમિલન ૪૫ વર્ષ બાદ યોજાયું હોવાથી બધા જ સહાધ્યાયીઓએ પોતાની ત્યારની તેમજ હાલની સ્થિતિ અંગે સવિસ્તાર વર્ણન કરીને સમગ્ર વાતાવરણને ભાવવિભોર બનાવી દીધું હતું. તમામની આંખો ભીની થઈ હતી.

- text

દૂર-દૂરથી અહીં પધારેલા તમામ સહાધ્યાયીઓએ કાર્યક્રમને સફળ બનાવવામાં જે સાથ અને સહકાર આપ્યો છે તે બદલ કેશવજીભાઈ ગોવિંદભાઈએ સૌનો અંતઃકરણથી આભાર વ્યક્ત કર્યો હતો. દર વર્ષે આવું સ્નેહમિલન યોજાય તે માટે સૌએ મક્કમ નિર્ધાર કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન સૌના સથવારે અમૃતલાલ કેશવજીભાઈ થોરીયાએ કર્યું હતું. સ્વરૂચી ભોજન લીધા બાદ “મળવા માટે જીવતા રહીશું” એ વાયદા સાથે સૌ વિખૂટા પડયા હતા.

- text