હિટાચીના ભાવમાં રકઝક થતા ઘેર આવી પિતા -પુત્રને લમધારી નાખ્યા

- text


જેતપર અને ચરાડવા ગામના શખ્સોએ ગાળા ગામે આંતક મચાવતા ફરિયાદ

મોરબી : મોરબીના ગાળા ગામે રહેતો યુવાન જેતપર ખાતે હિટાચી મશીન ખરીદવા માટે જોવા ગયા બાદ ભાવતાલ મુદ્દે રકઝક થતા જેતપર અને ચરાડવાના ચાર શખ્સોએ કારમાં ધોકા લઈ ગાળા ગામે ધસી જઈ પિતા અને બે પુત્રોને લમધારી નાખતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના સ્વામિનારાયણનગર ગાળા ગામે રહેતા રાજેશભાઇ ભગવાનજીભાઇ કુંડારીયાનો પુત્ર પારસ જેતપર ખાતે નવઘણભાઇના ઘર પાસે પડેલ હિટાચી મશીન જોવા ગયો હતો.બાદમાં હિટાચીના ભાવતાલ મામલે નવઘણભાઇ વેલાભાઇ ભીલ સાથે ફોનમાં બોલાચાલી થઈ હતી.

બોલાચાલી બાદ પારસ પોતાના ઘેર આવી ગયો હતો અને તેના પિતાજીને આ બાબતે વાત કરી હતી. જો કે થોડે વારમાં જ નવઘણભાઇ વેલાભાઇ ભીલ,રહે-જેતપર, મેહુલભાઇ પટેલ રહે-ચરાડવા, મનસુખભાઇ વેલાભાઇ ભીલ રહે-જેતપર અને એક અજાણ્યો માણસ અલગ-અલગ બે ગાડીમાં રાજેશભાઇ ભગવાનજીભાઇ કુંડારીયાની ઘરે આવી ઝઘડો કરવાનું શરૂ કરી કારમાં રહેલા લાકડાના ધોકા કાઢી પિતા રમેશભાઈ, પુત્ર પારસભાઈ અને બીજા પુત્ર દર્શ ઉપર તૂટી પડયા હતા.

- text

ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલા ત્રણેય પિતા પુત્રને મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને હોસ્પિટલના બિછાનેથી ફરિયાદી રાજેશભાઇ ભગવાનજીભાઇ કુંડારીયાએ નવઘણભાઇ વેલાભાઇ ભીલ,રહે-જેતપર, મેહુલભાઇ પટેલ રહે-ચરાડવા, મનસુખભાઇ વેલાભાઇ ભીલ રહે-જેતપર અને એક અજાણ્યો માણસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ચારેય વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૧૧૪ તથા જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text