વાહ મોરબી વાહ : કોરોના કાળમાં પણ સીરામીક ઉદ્યોગે 15 હજાર કરોડની નિકાસ કરી

- text


મેક ઈન ઇન્ડિયા સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરતો મોરબીનો સીરામીક ઉદ્યોગ : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા મુજબ 2021-22માં સિરામીક અને ગ્લાસવેર્સ પ્રોડક્ટ્નું 26542 કરોડથી વધુનું એક્સપોર્ટ

મોરબી : વિશ્વના સૌથી મોટા બીજા નંબરના મોરબી સિરામીક ઉદ્યોગે કોરોના કાળ, ઇંધણ-રો-મટિરિયલના ભાવવધારા અને શિપમેન્ટના ભાવમાં તોતિંગ ભાવ વધારા જેવા વિપરીત પરિબળો સામે ઝૂક્યા વગર વર્ષ 2021-22માં 15 હજાર કરોડનું એક્સપોર્ટ કર્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા મુજબ 2021-22માં સિરામીક અને ગ્લાસવેર્સ પ્રોડક્ટ્નું 26542 કરોડથી વધુનું એક્સપોર્ટ થયું હતું જે વર્ષ 2013-14ની સરખામણીએ 168% ટકા વધુ છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી પીયૂષ ગોયલે એક ટ્વીટમાં આ સિદ્ધિને પ્રકાશિત કરતા જણાવ્યું છે કે ભારતીય સિરામિક્સ અને ગ્લાસવેર પ્રોડક્ટ્સની નિકાસમાં 2013-14ની સરખામણીએ 2021-22માં 168%નો વધારો નોંધાયો છે.
પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો દિલ્હી દ્વારા જાહેર કરાયુ છે કે, 2021-22 માટે ભારતની સિરામિક્સ અને ગ્લાસવેર ઉત્પાદનોની નિકાસ 3464 મિલિયન યુએસ ડોલર એટલે કે રૂપિયા 26542 કરોડના રેકોર્ડ પર પહોંચી છે. નાણાકીય વર્ષ 2013-14 દરમિયાન ભારતની સિરામિક અને ગ્લાસવેર ઉત્પાદનોની નિકાસ 1292 મિલિયનની હતી.

વધુમાં કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, આજે ભારતીય ટાઇલ ઉદ્યોગ વૈશ્વિક ખેલાડી બની ગયો છે અને “મેક ઇન ઇન્ડિયા” અભિગમ સાથે રાષ્ટ્ર માટે વિદેશી હૂંડિયામણ કમાય છે અને આજે ભારત વિશ્વમાં ટાઇલ્સનું બીજું સૌથી મોટું ઉત્પાદક બની ગયું છે. સિરામિક ટાઇલ્સ અને સેનિટરી વેર ઉત્પાદનોની સાથે સાથે ગ્લાસવેર ઉત્પાદનોની નિકાસ વૃદ્ધિ સામાનના ગ્લાસ પેકિંગ, ગ્લાસ ફાઈબરના મેડ-અપ આર્ટિકલ, પોર્સેલેઈનના સેનિટરી ફિક્સર, ગ્લાસ મિરર, ટીન્ટેડ નોન-વાયર ગ્લાસ, ગ્લાસ બીડ અને ગ્લાસ વૂલના શિપમેન્ટમાં વધારો થયો છે.

- text

મોરબી સિરામીક એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને કેપેક્સીએલના વાઇસ પ્રેસિડેન્ટ નિલેશભાઈ જેતપરીયાએ ઉમેર્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો તેવા સમયે ઉચ્ચ નૂર દર, કન્ટેનરની અછત વગેરે જેવા અભૂતપૂર્વ લોજિસ્ટિકલ પડકારો હોવા ઉપરાંત મોરબી સીરામીક ઉદ્યોગને નેચરલ ગેસના ભાવવધારો, પેટ્રોલ – ડીઝલની કિંમતમાં વધારાની સાથે રો-મટિરિયલના ભાવમાં ઉછાળા સહન કરીને આ નિકાસ વૃદ્ધિ હાંસલ કરી છે.વર્ષ 2021-22માં મોરબી સીરામીક ટાઇલ્સ અને સેનેટરીવેર્સ પ્રોડકટની નિકાસ થકી રૂપિયા 15000 કરોડ જેટલું વિદેશી હૂંડિયામણ કમાઈ આપ્યું છે જે મોરબી માટે ગર્વની વાત છે.

નોંધનીય છે કે, ભારત 125 થી વધુ દેશોમાં નિકાસ કરે છે સાથે જ સાઉદી અરેબિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો, કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, ઇરાક, ઓમાન, ઇન્ડોનેશિયા, યુનાઇટેડ કિંગડમ અને પોલેન્ડ છે. રશિયા અને લેટિન અમેરિકન દેશો જેવા નવા બજારો પણ ઉમેરાયા છે.વાણિજ્ય વિભાગના સતત પ્રયાસોને કારણે સિરામિક અને ગ્લાસવેર ઉત્પાદનોની નિકાસમાં વધારો થયો છે. ઉપરાંત, CAPEXIL દ્વારા માર્કેટ એક્સેસ ઇનિશિયેટિવ સ્કીમ હેઠળ ગ્રાન્ટ ઇન એઇડનો ઉપયોગ કરીને વિવિધ પહેલ કરી વિવિધ દેશોમાં B2B પ્રદર્શનોનું આયોજન કરી ભારતીય દૂતાવાસોની સક્રિય ભાગીદારી સાથે ઉત્પાદન-વિશિષ્ટ અને માર્કેટિંગ ઝુંબેશ દ્વારા નવા સંભવિત બજારોની શોધ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ સંજોગોમાં વર્ષોથી મોરબી સીરામીક ઉદ્યોગકારોએ પડકારોનો સામનો કરી નવી ડિઝાઇન, ડિજીટલ પ્રિન્ટેડ ટાઇલ્સ અને વિવિધ રંગો સાથે મોટી સાઇઝની ટાઇલ્સની વૈશ્વિક માંગને ધ્યાને લઈ નવી ટેક્નોલોજી સાથે કદમ મિલાવી ઉત્પાદન કાર્યમાં વૈવિધ્યતા લાવતા આવનાર વર્ષોમાં પણ મોરબી વિશ્વભરમાં છવાઈ જવા સક્ષમ હોવાનું મનાઈ રહ્યું છે


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text