માળીયા તાલુકામાં ઉનાળાના આરંભે જ બેડા યુદ્ધ

- text


બોડકી ગામે પાણીનું ટેન્કર આવતા મહિલાઓ વચ્ચે બેડા સાથે લડાઈ જામી, તંત્રની બેદરકારીને કારણે મહિલાઓ વચ્ચે કારમો પાણી સંઘર્ષ

મોરબી : માળીયાના છેવાડા ગામ બોડકી ગામમાં છેલ્લા છ-છ મહિનાથી પાણીની હાડમારી ભોગવી રહેલી મહિલાઓ હવે કાળઝાળ બની ગઈ છે. એક તો ધોમધખતો તાપ અને ઉપરથી પાણીની રામાયણને કારણે મહિલાઓ માનસિક રીતે અકળાઈ ઉઠી હતી. જેમાં પાણીનું ટેન્કર આવતા પાણી જલ્દીથી મેળવવા માટે મહિલાઓ વચ્ચે બેડા યુદ્ધ થયું હતું. એકબીજાના બેડા ભટકાડીને મહિલાઓ પાણી મેળવવા માટે ભારે વલખા માર્યા હતા.

માળીયા તાલુકાના છેવાડાના દરિયા કિનારે આવેલ બોડકી ગામમાં છેલ્લા છ મહિનાથી પાણીની પરોજણ છે. ગામના લોકોના જણાવ્યા મુજબ તંત્રની બેદરકારીને કારણે તમના ગામમાં પાણી આવતું નથી. જેમાં પીપળીયા ચાર રસ્તેથી તેમના ગામ સુધી લાઈન નાખવામાં આવી હોય પણ વચ્ચે એક ગામના વિરોધને કારણે પાણીની સમસ્યા યથાવત રહી છે. થોડા દિવસ પહેલા જ ગામની મહિલાઓએ બેડા સરઘસ કાઢીને પાણી પુરવઠા બોર્ડને રજુઆત કરી હતી. પણ જવાબદાર કર્મચારીએ ઉપરથી પાણી ન આવતું હોય તમને કેવી રીતે પહોંચડીએ તેમ કહીને હાથ ઊંચા કરી દેતા આ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

- text

બોડકી ગામમાં હાલ પાણી ન આવતું હોય ટેન્કર પહોંચાડવામાં આવી રહ્યું છે. પણ પાણીનું ટેન્કર એક જ હોય અને એમાં પર્યાપ્ત જળ જથ્થો જ હોવાથી મહિલાઓ પાણી વગર ન રહી જાય એમ માટે જલ્દી વારો લેવા ઘમાસાણ મચવ્યું હતું. મહિલાઓ વચ્ચે બેડા યુદ્ધ થયું હતું. મહિલાઓએ એકબીજાના બેડા કે અન્ય વાસણ ભટકાવી હો હા મચાવી હતી. એક બાજુ ધોમધખતો તાપ જીરવવો મુશ્કેલ હોય અને બીજી બાજુ પાણીની હૈયાહોળીએ માનસિક રીતે બેહાલ કરી દેતા મહિલાઓએ ભારે કકળાટ મચાવ્યો હતો. આમ તંત્રના પાપે મહિલાઓને પાણી માટે કપરો સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

- text