મોરબીમાં 21મીએ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મેળો યોજાશે

- text


મોરબી : મોરબી બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ યોજના હેઠળ કાર્ડ કાઢી આપવામાં આવશે.તેમજ ચેપી–બિનચેપી રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે.હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આપવામાં આવતી જુદી જુદી આરોગ્ય સેવાઓની જાણકારી પૂરી પાડવામાં આવશે.તેમજ લોક જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે.

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તા.18 થી 22 દરમિયાન દરેક તાલુકામાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરાયેલ છે. જે અંતર્ગત તા. 21ને ગુરુવારના રોજ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી આરોગ્ય મેળો યોજાશે.મોરબી જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષ પદે જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તેમજ વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહીને આરોગ્ય અધિકારી મોરબી દ્વારા મોરબી તાલુકામાં સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો યોજવામાં આવશે.

આ મેળામાં યુનિક હેલ્થ આઇ.ડી. કાર્ડ કાઢી આપવામાં આવશે.આયુષ્માન ભારત (AB-PMJAY) લાભાર્થીને કાર્ડ કાઢી આપવામાં આવશે.જેના માટે લાભાર્થીનું આધાર કાર્ડ,રેશન કાર્ડ,આવકનો દાખલો ચાલુ નાણાંકીય વર્ષથી ત્રણ વર્ષ જુનો નહિં.જે વ્યક્તિનું આયુષમાન કાર્ડ કઢાવવાનું હોય તેને રૂબરૂ આવવાનું રહેશે.જુદા જુદા તજજ્ઞો જેમ કે ફિઝીસીયન, સર્જન, બાળ રોગ નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત, હાડકાના ડૉકટર, આંખના ડૉકટર, ડેન્ટલ સર્જન તેમજ ફિઝીયોથેરાપીસ્ટદ્વારા દર્દીઓનું વહેલું નિદાન,લેબોરેટરી સેવાઓ, પાયાની આરોગ્યની સેવાઓ મફત દવા અને સારવાર પુરી પાડવામાં આવશે.

- text

નિરામય ગુજરાત અંતર્ગત ડાયાબિટીસ, બી.પી., કેન્સર, માનસિક રોગોનું નિદાન અને નિરામય કાર્ડ કાઢી આપવામાં આવશે.ચેપી રોગો અને બિન ચેપી રોગોનાં અટકાયતી ઉપાયો વિષે લોકોને માહિતી પૂરી પાડવામાં આવશે.હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આપવામાં આવતી જુદી જુદી આરોગ્ય સેવાઓની જાણકારી પૂરી પાડવામાં આવશે.આરોગ્યનાં જુદા જુદા પ્રોગ્રામ જેવા કે પ્રજનન અને બાળ આરોગ્ય, કુટુંબ કલ્યાણ, શાળા આરોગ્ય, વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ, ટી.બી. મુક્ત ભારત વગેરે વિશે લોક જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે.તમાકુ,આલ્કોહોલ વ્યસનમુક્તિ માર્ગદર્શન અને કેન્સર અટકાયતી જાગૃતિ વિશે જાણકારી આપવામાં આવશે.અંધાપા નિવારણ કાર્યક્રમ અંતર્ગત મોતિયાનું નિદાન અને જરૂરી રેફરલ સેવાઓ પૂરી પાડવામાં આવશે.

બ્લોક હેલ્થ મેળાનો જાહેર જનતા વધુમાં વધુ લાભ લે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી – મોરબી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર-મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે.હાલની કોરોના વાઇરસ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સ,હેન્ડ વોશ અને માસ્ક તેમજ સરકારની કોરોનાની માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

- text